અલાસ્કા-દ્વીપકલ્પમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ; હવાઈમાં સુનામીની ચેતવણી

પેરીવિલ (અલાસ્કા): અમેરિકાના અલાસ્કા રાજ્યના અલાસ્કા પેનિન્સ્યુલા (દ્વીપકલ્પ) નજીક સ્થાનિક સમય મુજબ બુધવારે રાતે 10.15 વાગ્યે મોટો ધરતીકંપ આવતાં દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા દ્વીપકલ્પ માટે તેમજ હવાઈ ટાપુ માટે સુનામી મોજાં ઉછળવાની ચેતવણી ઈસ્યૂ કરવામાં આવી હતી. હોનોલૂલૂ સ્ટારના અહેવાલ મુજબ, અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 8.1 હતી. એક અહેવાલ મુજબ, તીવ્રતા ખૂબ વધુ હોવા છતાં ધરતીકંપ ગંભીર પ્રકારનો નહોતો.

યૂએસ જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે ધરતીકંપની તીવ્રતા 8.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ અલાસ્કાના પેરીવિલ શહેરને અગ્નિ ખૂણે 91 કિલોમીટર દૂર આવેલા સ્થળે હોવાનું માલુમ પડ્યું છે. વિસ્તારમાં રહેતા દરેક જણે ધરતીકંપનો અનુભવ કર્યો હતો.