કાઠમંડુ: નેપાળમાં ભારતના નવા નકશાને લઇ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કે.પી. ઓલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેપાળ, ભારત અને તિબેટની વચ્ચે ટ્રાઇજંકશનમાં આવેલ કાલાપાણી વિસ્તાર નેપાળનો હિસ્સો છે અને ભારતે ત્યાંથી પોતાની સેના તાત્કાલિક હટાવી લેવી જોઇએ.
ભારતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ દેશનો નવો નકશો રજૂ કર્યો હતો ત્યારબાદ કાળાપાણી વિસ્તારને ઉત્તરાખંડમાં દેખાડતા નેપાળે નારાજગી વ્યક્ત કરી હતી. નેપાળની આપત્તિના જવાબમાં ભારતે કહ્યું હતું કે નકશો સંપૂર્ણપણે ભારતની સંપ્રભુતાને દેખાડે છે અને નેપાળની સાથે સરહદમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી.
નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યુથ વિંગ નેપાળ યુવા સંગમની એક બેઠકને સંબોધિત કરતાં ઓલીએ કહ્યું કે અમે અમારા જમીન વિસ્તારના એક ઇંચ પર પણ કોઇ દેશને કબ્જો કરવા નહીં દઈએ. ભારતે આ વિસ્તારને ખાલી કરવો પડશે. ઓલીએ આગળ કહ્યું કે અમારા ભૂ-ભાગથી ભારતીય સેનાને હટાવ્યા બાદ જ અમે કોઇ વાર્તામાં સામેલ થઇશું.
નેપાલી પીએમે કહ્યું કે તેમની સરકાર પોતાના દેશની સરહદોની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. દેશના સુરક્ષાબળ પોતાની જમીન પર પોતાનો અધિકાર પાછો મેળવવા માટે એકજૂથ છે. ઓલી એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે ભારતના નવા નકશાના વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શન પ્રોપેગેન્ડાનો હિસ્સો છે. કાળાપાણીના વિસ્તારને લઇ એવો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે જાણે કે તે આજની જ ઘટના હોય જ્યારે આ દાયકા પહેલાંની વાત છે. આ રાષ્ટ્રભકત સરકાર કોઇને નેપાળની એક ઇંચ જમીન પર પણ કબ્જો કરવા દેશે નહીં. શાંતિપ્રિય દેશ નેપાળ ના તો કોઇ દેશની જમીન પર કબ્જો કરશે અને ના તો કોઇને પોતાની જમીન પર કબ્જો કરવા દેશે. તેમની સરકાર કાળાપાણી મુદ્દાને કૂટનીતિ દ્વારા જ ઉકેલવા માંગે છે.
હિમાલયન ટાઇમ્સના મતે ભારતના નવા નકશાને લઇ ત્રણ દિવસ પહેલાં જ ઓલીએ એક સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ વિદેશ મંત્રી પણ સામેલ થયા. બેઠકમાં ભારતની સામે આ મુદ્દાને ઉઠાવાની માંગણી કરાઈ.
6 નવેમ્બરે નેપાળના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, તેમની સરકાર સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે, કાળાપાણી વિસ્તાર નેપાળનું અભિન્ન અંગે છે. તેના એક દિવસ પછી ભારતના વિદેશ મંત્રાલયે પણ તેમની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારા નકશા ભારતના સંપ્રભુ વિસ્ચારને દેખાડે છે. નવા નકશામાં નેપાળ સાથે સરહદ મામલે કોઈપણ પ્રકારનો સુધારો કરવામાં નથી આવ્યો અને નેપાળની સાથે સરહદ નિર્ધારણ વર્તમાન પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવી છે.