એક અનોખું ઘર, જેમાં રેતી, સિમેન્ટ અને ઇંટો જ નથી…..

અમદાવાદઃ અમેરિકાના ડિઝાઈનર અને આર્કિટેક્ટ વિલ બ્રેક્સ એ રેતી, સિમેન્ટ અને ઈંટો વગર ત્રણ માળનું ખૂબસૂરત ઘર તૈયાર કર્યું છે. તેમણે એવો જુગાડ લગાવ્યો કે હવે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી પડી રહી. આવો જાણીએ, વિલે એવું તો શું કર્યું જેનાથી એના સપનાનું મકાન તૈયાર થઈ ગયું?

વિલ બ્રેક્સે એક મેગેઝિનમાં વાંચ્યુ હતું કે, શિપિંગ કન્ટેનર્સથી ઘર બનાવી શકાય છે. ત્યારબાદ તેમણે તેમના ઘરનું થ્રીડી સ્કેચ તૈયાર કર્યુ. પછી 11 શિપિંગ કન્ટેનર્સની મદદથી 2500 વર્ગ ફૂટ ક્ષેત્રફળમાં ત્રણ માળનું ઘર બનાવી દીધું.

વિલ બ્રેકસના ઘરનો બહાર કરતા અંદરનો ભાગ વધુ સુંદર છે. વિલ કહે છે કે, તે પહેલા જ એક અનોખુ ઘર બનાવવા ઈચ્છતા હતા પણ નાણા ભીડને કારણે એ સંભવ ન બની શક્યું. ઘર બનાવવા માટે તેમણે પૈસા માટે રાહ જોવી પડતી હતી. જેમ જેમ તેની પાસે પૈસા જમા થતાં તે તરત જ ઘરના ઈન્ટીરિયર પર કામ શરુ કરી દેતા.

વિલનું આ ઘર 2017થી ચર્ચાનો વિષય બની ગયું છે. લોકો આ ઘર અંગે ખરાબ ટિપ્પણી પણ કરતા રહે છે પણ વિલે એ વાતા પર ધ્યાન ન આપતા તેમના આ અનોખા ઘરની માહીતી બ્લોગ પર લખવાનું શરુ કર્યું.

આ ઘર સંપૂર્ણ રીતે સુરક્ષિત અને મજબૂત હોવાનો વિલે દાવો કર્યો છે. આ ઘરનો ત્રીજો માળ આગ અને તોફાનનો સામનો કરવામાં સક્ષમ છે. ઘરનો પાયો ખુબજ મજબૂત છે. તમામ દિવાલોને એવી રીતે સીલ કરવામાં આવી છે કે, ઘરને અન્ય સ્થળે શિફ્ટ કરવું મુશ્કેલ છે.

શિપિંગ કન્ટેનર્સથી બનેલા આ ત્રણ માળના મકાનમાં બારીઓ અને સ્કાઈલાઈટ પણ છે. એક માળ પરથી બીજા માળ પર જવા માટે અંદરની તરફ લાકડા અને લોખંડની સીડીઓ પણ બનાવવામાં આવી છે. વિલ બ્રેક્સે આ ઘરનું પ્લાનિંગ 2011માં જ શરુ કર્યું હતું. અંતે વિલને અમેરિકાના હ્યુસ્ટનના મિડટાઉનમાં ઘર બનાવવા માટે જગ્યા મળી જ ગઈ.