યુટ્રેચ- નેધરલેન્ડના મધ્ય યુટ્રેચ શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં આ લખાય છે ત્યાં સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ઘણાં લોકો ઘાયલ થયાં છે. યુટ્રેચ શહેર પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ હજુ સુધી ફાયરિંગનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
યુટ્રેચ પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, ટ્રામમાં ફાયરિંગ કરવામાં આવતા અનેક મુસાફરો ઘાયલ થયાં છે. ઘાયલોની મદદ માટે હેલિકોપ્ટર પણ તહેનાત કરવામાં આવ્યાં છે. આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અને અંગે અમે વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારની ટ્રામ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
સ્થાનિક મીડિયા અનુસાર ઘટનાસ્થળ પર આતંકવાદ નિરોધક પોલીસ પહોંચી ગઈ છે. ગોળીબારની ઘટના સ્થાનિક સમય અનુસાર 10:45 વાગ્યાની આસપાસ થઈ હતી. જોકે, હાલ ફાયરિંગ નથી થઈ રહ્યું, પોલીસે તેમનું ઓપરેશન શરુ કરી દીધું છે. ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં એક વ્યક્તિએ મસ્જિદમાં ઘુસીને અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 49 લોકોના મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે ફાયરિંગ કરનારા ઓસ્ટ્રેલિયન નાગરિકની ધરપકડ કરી હતી.