બ્રિટનની કોર્ટે નીરવ મોદીની ધરપકડનું વોરન્ટ બહાર પાડ્યું

લંડન – અહીંની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતના હિરાના ઉદ્યોગપતિ નીરવ મોદીની ધરપકડ કરવા માટે વોરન્ટ બહાર પાડ્યું છે. નીરવ મોદી સામે આરોપ છે કે એમણે ભારતમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ આચરી છે. એમના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે કરેલી વિનંતીને પગલે બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવિદે નીરવની ધરપકડનું વોરન્ટ ઈસ્યૂ કર્યું છે.

જાવિદનો મંજૂરી પત્ર ગયા અઠવાડિયે મેજિસ્ટ્રેટની કોર્ટને મોકલી આપવામાં આવ્યો હતો.

આ વોરન્ટના આધારે નજીકના ભવિષ્યમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ નીરવની ધરપકડ કરી શકે છે અને એમને કોર્ટમાં હાજર કરી શકે છે. જે નીરવના પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયાનું પ્રથમ તબક્કો હશે.

અરેસ્ટ વોરન્ટ ઈસ્યૂ કરાયું એનો મતલબ એ કે કોર્ટે એ વાતે સંતુષ્ટ છે કે નીરવ મોદીનો ગુનો એવા પ્રકારનો છે કે એમના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે કરેલી માગણી વાજબી છે.

હવે નીરવ મોદીની ગમે તે ઘડીએ ધરપકડ થઈ શકે છે.

લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યાના કેસમાં પણ આવું જ થયું હતું. એનો પ્રત્યાર્પણ કેસ હાલ અપીલ કોર્ટમાં છે. ભારત સરકારે માલ્યાના પ્રત્યાર્પણ માટે 2016ના અંતમાં વિનંતી મોકલી હતી. સાજિદ જાવિદે 2017ની 21 ફેબ્રુઆરીએ એ મંજૂર રાખી હતી.

માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ એ જામીન પર છે.

નીરવ મોદી બ્રિટનમાં છે એ અહેવાલોને બ્રિટિશ સત્તાવાળાઓએ 2018ના મધ્યમાં સમર્થન આપ્યું હતું. હાલમાં જ ડેઈલી ટેલીગ્રાફ અખબારે એક વિડિયો રિલીઝ કર્યો હતો જેમાં નીરવ લંડનની શેરીમાં ચાલતા દેખાય છે. પત્રકારોએ જ્યારે એમને સવાલ પૂછ્યા ત્યારે એમણે માત્ર એટલું જ કહ્યું, ‘નો કમેન્ટ.’

નીરવ મોદીએ ડાયમંડનો નવો બિઝનેસ શરૂ કર્યો હોવાનું મનાય છે. એ લંડનના મધ્ય ભાગના કોઈક વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહે છે, જેનું નામ છે સેન્ટર પોઈન્ટ.

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાના સંબંધમાં નીરવ મોદીને ભારતે વોન્ટેડ જાહેર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]