નવી દિલ્હીઃ દુનિયાને પોતાના પરમાણુ કાર્યક્રમોથી ચોંકાવનારા અને અમેરિકા સામે બાથ ભીડનારા નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કીમ જોંગ ઉન અત્યારે આરામના મૂડમાં છે. નોર્થ કોરિયાની ટેસ્ટ એજન્સી દ્વારા કીમના કેટલાક ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા છે જેમાં તેઓ બરફના પહાડોમાં ઘોડેસવારી કરતા નજરે આવી રહ્યા છે. ફોટોગ્રાફ્સ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે.
ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કિમ જોંગ ઉને આ સપ્તાહે નોર્થ કોરિયાના ઐતિહાસિક બએકદૂ પર્વતનો પ્રવાસ કર્યો, આ પહાડોનો પોતાનો એક રાજનૈતિક ઈતિહાસ પણ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કિમ જોંગ ઉને સફેદ ઘોડા પર પહાડો પર ઘોડેસવારી કરી અને વર્ષની પ્રથમ બરફ વર્ષાનો આનંદ લીધો. આ પહાડનો એક રાજનૈતિક ઈતિહાસ પણ છે. અહીંયા કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ દ્વિતીયનો જન્મ થયો હતો, જેમણે નોર્થ કોરિયામાં અલગ રાજનીતિની શરુઆત કરી હતી.
કિમ જોંગ ઉનની આ સ્થાન પર આ ત્રીજી વિઝીટ હતી. કોરિયન એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે પણ કિમ જોંગ ઉન કોઈ મોટો નિર્ણય લેવાના હોય છે ત્યારે તેઓ આ જગ્યાનો પ્રવાસ કરે છે. આ પહેલા તેઓ ત્યાં ડિસેમ્બર 2017 માં આવ્યા હતા, ત્યારબાદ તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.
આપને જણાવી દઈએ કે કિમ જોંગ ઉનના આ પ્રકારના ફોટોગ્રાફ્સ બહુ ઓછા સામે આવે છે. આ પહેલા દુનિયાએ મોટાભાગે તેમને મિસાઈલ પરીક્ષણ, બોર્ડરનો પ્રવાસ અથવા પછી સૈનિકો સાથે મુલાકાત સમયે જ જોયા છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક દરમિયાન પણ કિમ જોંગ ઉન અલગ અંદાજમાં દેખાયા હતા.
બે વાર વાતચીત બાદ અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે આગળ વાત વધી શકી નહોતી. નોર્થ કોરિયા અમેરિકાની શરતો માનવા માટે તૈયાર નહોતું, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચિત રદ્દ કરી દીધી હતી.