નવી દિલ્હી: અમેરિકામાં આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દલીલબાજીનો સિલસિલો શરુ થઈ ગયો છે. ડેમોક્રેટ્સ પાર્ટીની પાંચમી ડિબેટમાં ભારતીય મુળની બે મહિલા ઉમદવારો સામ સામે ચર્ચામાં ઉતરી હતી. સેનેટર કમલા હેરિસ અને કોંગ્રેસ વુમન તુલસી ગબાર્ડ વચ્ચે તીખી દલીલો થઈ, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
ચર્ચાની શરુઆતમાં જ્યારે તુલસી ગબાર્ડે પોતાનો પક્ષ રાખતા તેમણે દાવો કર્યો કે, જો તે રાષ્ટ્રપતિ બનશે તો, મિડલ ઈસ્ટમાં દરેક વખતે નાની બાબતોમાં અમેરિકાની સેનાને નહીં મોકલવામાં આવે. જે જગ્યાએ જરૂરીયાત હશે ત્યારે વિચાર કરીને મોકલવામાં આવશે. આ દરમ્યાન તેમણે અગાઉની સરકારો અને તેમની નીતિઓ જોરદાર ટીકા કરી.
તુલસી ગબાર્ડના પ્રશ્નોનો જ્યારે સેનેટર કમલા હેરિસે જવાબ આપવાનું શરુ કર્યું તો તેમણે સંપૂર્ણ ઈતિહાસ ખોલી નાખ્યો. કમલા હેરિસે ક્હ્યું કે, અમારી સાથે આજે સ્ટેજ પર એ વ્યક્તિ છે જે ઓબામા સરકારની સતત ટીકા કરતી રહી, જ્યારે એ પણ અમારી જ પાર્ટીની સરકાર હતી. ફોક્સ ન્યૂઝ પર બેસીને તેમણે માત્ર ટીકાઓ જ કરી છે. એટલુ નહીં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા તો તેમને શુભેચ્છા પાઠવવામાં તુલસી સૌથી આગળ હતી.