નવી દિલ્હી– આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરનું નામ આ સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં રોડા નાખી રહેલા ચીને નરમ વલણ અપનાવ્યું છે. 1લી મેએ ચીનના નરમ તેવરથી આ શક્ય બની શકે તેમ છે.
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદીમાં નાખવાથી ભારતની મોદી સરકારની એક મોટી કૂટનીતિક જીત હશે. કારણ કે ભારત છેલ્લા ઘણા સમયથી તેમાં પણ ખાસ કરીને પુલવામા હુમલા બાદ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા પણ ભાર મુકી રહ્યું છે. ચીન સતત તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને અડચણ ઉભી કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેજિંગ 15 મેની આસપાસ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના રસ્તામાંથી હટી શકે છે. તો બીજી તરફ પાકિસ્તાને પણ હાલમાં જ કહ્યું હતું કે, અઝહરને બ્લેક લિસ્ટ કરવા માટે તૈયાર છીએ. પરંતુ તેનો આધાર પુલવામાં હુમલો ન હોવો જોઈએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે એક ટીવી શો માં કહ્યું હતું કે, ભારતે એ વાતોનો પુરાવો આપવો પડશે કે, અઝહરનો પુલવામાં હુમલા સાથે કોઈ સંબંધ નથી.
ઉલ્લેખનિય છે કે, ચીન આ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચાર વખત રોડા નાખી ચૂક્યું છે. માર્ચ મહિનામાં જ્યારે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આવ્યો તો ચીને આ મામલો ટેક્નિકલ હોલ્ડ પર મુકી ભારતના પ્રયાસો પર પાણી ફેરવ્યું હતુ.