નવી દિલ્હી- ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં છેલ્લાં 4 વર્ષથી માન્ય પ્રમાણપત્રો વગર રહેતાં 52 વર્ષીય ઈટાલિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઈટલીના દૂતાવાસને જાણ કરી દીધી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું કે, ઈટલીનો રહેવાસી આંદ્રે ગ્રેગો વર્ષ 2015માં ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. આ દરમિયાન આ ઈટાલિયન નાગરિકે હિમાચલ પ્રદેશના કુલ્લુ જનપદ નિવાસી 45 વર્ષીય મહિલા ચંદ્રમણિ સાથે ઓડિશાના કોર્ણાક મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં.
લગ્ન બાદ તે વૃન્દાવનના વારાહ ઘાટ પર રહેવા લાગ્યો હતો. તેમણે વિઝાની સમય મર્યાદા પૂર્ણ થયાં બાદ પણ વિઝાની લિમિટ વધારવા માટે અથવા તો સ્થાયી વિઝા પ્રાપ્ત કરવા માટે અરજી કરી ન હતી. જેના કારણે ગુપ્તચર વિભાગની એક ટીમે બુધવારે તેમની ધરપકડ કરી છે.
પોલીસને તપાસ દરમિયાન તેમની પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈટાલીમાં બનેલું તેમનું હેલ્થ કાર્ડ મળ્યું હતું. એસએસપીએ જણાવ્યું કે, તેમની જેલમાં મોકલીને આ મામલાનો રિપોર્ટ તેમની એમ્બેસીને આગળની કાર્યવાહી માટે મોકલી દીધો છે.