ઈઝરાયેલ NSA હોટલમાં ભૂલ્યાં ભારત સાથેની ડીલના દસ્તાવેજ, પરંતુ…

જેરુસલેમઃ ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વ ધરાવતાં એક પ્રતિનિધિમંડળ દ્વારા ભારત સાથે થયેલાં સુરક્ષા સોદાના ગુપ્ત દસ્તાવેજો ખોવાઈ ગયાં હતાં. પરંતુ નસીબ સારા હતાં કે રેસ્ટોરન્ટ કર્મચારીની સતર્કતા અને હોશિયારીના કારણે તે દસ્તાવેજો તેમને પાછા મળી શક્યાં છે. ઘટનાની વિગત જોઈએ તો ઈઝરાયેલના સલાહકાર મેર બેન શબ્બાત, આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્યો સાથે ભારત ગયા હતાં અને ત્યાં તેમની વડાપ્રધાન મોદી તેમજ ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથે મુલાકાત થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર શબ્બાતે આ બેઠકમાં બંને દેશો વચ્ચે વિભિન્ન હથિયાર સોદાને લઈને ચર્ચા કરી હતી. ઈઝરાયેલ પોતાના સૈન્ય ઉપક્રમ દ્વારા વિકસિત ઘણા શસ્ત્રો ભારતને વેચવા ઈચ્છે છે. આમાં ટોહી વિમાન, માનવરહિત વિમાન, ટૈંક-ભેદી પ્રક્ષેપાત્ર, તોપ અને રડાર પ્રણાલીઓનો સમાવેશ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

શબ્બાતના સહયોગીએ આ યાત્રા પહેલાં ભારત સાથેના સંભવિત રક્ષા સોદા સંબંધિત ઘણાં દસ્તાવેજો પ્રિન્ટ કરી લીધાં હતાં. આ દસ્તાવેજો ગુપ્ત શ્રેણીમાં રાખવામાં આવ્યાં હતાં. આ પ્રતિનિધિમંડળના સભ્યો વિમાનમાં જતાં પહેલાં એક હોટલમાં જમવા ગયાં અને તે સમયે સહયોગી દ્વારા તે દસ્તાવેજ ત્યાં જ ભૂલાઈ ગયાં હતાં.

પ્રતિનિધિમંડળના ત્યાંથી ગયા બાદ રેસ્ટોરન્ટના કર્મચારીને તે દસ્તાવેજ મળ્યાં અને તેણે એક મિત્રને ફોન કર્યો જેની માતા ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસમાં કામ કરતી હતી. રેસ્ટોરન્ટ કર્મચારીનો મિત્ર વિમાનથી ભારત પહોંચ્યો અને પોતાની માતાને તે દસ્તાવેજ આપ્યાં. પછી આ દસ્તાવેજને સુરક્ષા અધિકારીને સોંપી દેવામાં આવ્યાં. પરિષદની તપાસમાં સામે આવ્યું કે કાગળ ખોવાઈ જવાથી ઈઝરાયેલી સુરક્ષાને કોઈ નુકસાન નથી પહોંચ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શબ્બાતના સહયોગીને દસ્તાવેજ ખોવાવાના દોષિત માનવામાં આવ્યાં અને તેને ચેતવણી પણ આપવામાં આવી.