નવી દિલ્હી- અમેરિકા સાથે વધતા જતાં તણાવને પગલે ઈરાને સોમવારે જાહેરાત કરી છે કે, યુએસની ગુપ્ત એજન્સી (CIA) માટે કામ કરતા 17 જાસૂસોની ઘરપકડ કરી છે અને અમુકને મોતની સજા સંભળાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના ઈન્ટેલિજન્સ મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ધરપકડ કરાયેલા જાસૂસ સંવેદનશીલ, ખાનગી આર્થિક કેન્દ્રો, સેના અને સાયબર ક્ષેત્રમાં નોકરી કરી કરતા હતાં જ્યાંથી તેઓ મહત્તવપૂર્ણ માહિતી એક્ત્ર કરી રહ્યાં હતાં.
ઈરાનના સરકારી ટેલિવિઝન પર આવેલા એક નિવેદન અનુસાર, ઈરાનના ગુપ્ત મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 12 મહિનામાં 17 જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. ફાર્સ ન્યૂઝ એજન્સીની અન્ય એક રિપોર્ટ મુજબ આમાંથી અમુક જાસૂસોને મોતની સજા સંભળાવામાં આવી છે. જોકે, હજુ સુધી સીઆઈએ અથવા યુએસના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. ઈરાનમાં આ પ્રકારની જાહેરાત થવી કોઈ અસામાન્ય વાત નથી જોકે, વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે તેહરાન પશ્ચિમી દેશોની સાથે તેમની ટક્કર તેજ કરી શકે છે, જેથી સેન્ય સંઘર્ષની આશંકા પણ વધી ગઈ છે.
છેલ્લા કેટલાક સપ્તાહમાં યૂએસ એ ઈરાન પર હોર્મૂઝ ખાડીમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જોકે, ઈરાન આ આરોપોને નકારી રહ્યું છે. યૂએસ અને ઈરાને એકબીજાના ડ્રોનને પણ તોડી પાડ્યા છે. આ જ સપ્તાહે ઈરાને બ્રિટિશ રજિસ્ટર્ડ ટેન્કર સ્ટેના ઈમ્પેરોને પોતાના કબ્જેમા લીધા હતાં. તેહરાને બ્રિટનને ચેતાવણી આપી હતી કે તે, 4 જૂલાઈએ ઈરાનના એક ટેન્કરને કબ્જામાં લેવાનો બદલો જરૂર લેશે.
છેલ્લા કેટલાક મહિનામાં યૂએસ-ઈરાન વચ્ચે તણાવ વધારતા અનકે ઘટનાક્રમો જોવા મળ્યા છે. યૂએસ એ ઈરાનના કથિત ખતરાનો હવાલો આપતા મધ્ય-પૂર્વમાં એરક્રાફ્ટ કેરિયર તેમજ સેના ટુકડી તૈનાત કરી હતી. બીજી તરફ ફારસની ખાડીમાંથી પસાર થઈને નિકળતા ઓઈલના ટેન્કરો પર સતત રહસ્યમયી હુમલાઓ થઈ રહ્યાં છે. જેના માટે યુએસ ઈરાનને જવાબદાર ગણાવતું રહ્યું છે.
યૂએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે ઈરાન તેમજ અન્ય 6 દેશો સાથે પરમાણુ કરારમાંથી બહાર નિકળવાનો નિર્ણય કર્યો હતો અને સાથે જ ઈરાન પર તમામ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. ત્યારબાદથી બંન્ને દેશો વચ્ચે તણાવ ખત્મ થવાનું નામ નથી લઈ રહી.