બગદાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. આજે સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકી સૈનિકોની ટુકડીઓ પર એક ડઝનથી વધુ મિસાઈલ છોડી હુમલો કર્યો છે. ઈરાકના અબરિલ અને અલ અસદ સૈન્ય બેઝ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડી હુમલો કર્યો છે. જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઈલ ઈરાનના દ્વારા છોડવામાં આવી છે.
હુમલો કર્યા બાદ ઈરાને અમેરિકા અને અમેરિકી સૈનિકને જવાબી કાર્યવાહી ન કરવાની પણ ચેતવણી આપી છે. અમેરિકાએ પોતે પણ ઈરાન દ્વારા મિસાઈલ છોડી સૈનિક ટ્રેનિંગ બેઝ પર હુમલો થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈરાન તરફથી થયેલાં હુમલામાં કેટલાં અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે, તેની કોઈ જાણકારી મળી નથી. અમેરિકા પર થયેલા હુમલા બાદ ઈરાને એક ટીવી ચેનલમાં જણાવ્યું કે આ હુમલો જનરલ કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.
ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકાની બેઝ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા પછી ઓઈલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈરાનના હુમલા પછી ઓઈલની કિંમતમાં લગભગ 4.5 ટકાનો ઉછાળો આવ્યો છે. ડબલ્યૂ ટી આઈ ઈન્ડેક્સમાં ઓઈલના ભાવમાં 4.53 ટકાનો ઉછળીને 65.54 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે.
ક્રુડ ઓઈલની કિંમતમાં ભલે ઉછાળો નોંધાયો હોય પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમત પર તેની કોઈ અસર જોવા નથી મળી. છ દિવસ સુધી સતત કિંમતમાં વધારો જોવા મળ્યા બાદ પેટ્રેલ અને ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યાં છે. છ દિવસમાં પેટ્રોલમાં 60 પૈસ અન ડીઝલ 83 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જો કે આજે ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે આગામી દિવસોમાં તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જરૂર જોવા મળી શકે છે.