લંડન- વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્સ 2018માં ભારતે પોતાની રેન્કમાં સુધારો કર્યો છે. એક ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ઈન્ડેક્સ મુજબ આ યાદીમાં ચીન ઘણું પાછળ રહી ગયું છે. ભારત અગાઉ 2017માં 40 પોઈન્ટ સાથે 81માં ક્રમ પર હતું. જ્યારે 2018માં ભારત 41 પોઈન્ટ મેળવીને 78માં ક્રમે રહ્યું છે. કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ 2018નો રિપોર્ટ દર વર્ષે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા રજૂ કરવામાં આવે છે.
આ ઈન્ડેક્સમાં ચીન 87માં ક્રમ પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાન 117માં સ્થાન પર છે. વૈશ્વિક સંગઠને કહ્યું છે કે, આગામી ચૂંટણી પહેલા ભ્રષ્ટાચાર ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં મામૂલી પણ ઉલ્લેખનીય સુધારો થયો છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે સતત પ્રયાસો પછી પણ અનેક દેશો ભ્રષ્ટાચાર પર લગામ મૂકવામાં નિષ્ફળ થઈ રહ્યાં છે. જે લોકતંત્ર માટે ખતરનાક છે. જ્યારે અનેક દેશો છે જેમણે પોતાનામાં સુધારો પણ કર્યો છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ૦-1૦૦ વચ્ચે અલગ અલગ સર્વે કરીને આ યાદી બહાર પાડે છે. જેમાં 0નો અર્થ અત્યંત વધુ ભ્રષ્ટાચાર અને 1૦૦નો અર્થ સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચારરહિત દેશ એવો થાય છે.
2017માં સોમાલિયામાં સૌથી વધુ ભ્રષ્ટ દેશ હતો. તેણે આ વખતે પણ પોતાનું આ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે 2017માં ન્યુઝિલેન્ડ ભ્રષ્ટાચાર મુક્ત દેશમાં નં. 1 હતું પણ 2018ની આ યાદીમાં પ્રથમ સ્થાન પર ડેનમાર્ક આવ્યું છે. ન્યુઝિલેન્ડ બીજા ક્રમ પર રહ્યું છે. ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર ધરાવતા ટોપ-20 દેશોની યાદીમાંથી અમેરિકા બહાર નીકળી ગયું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે અમેરિકા, હંગેરી અને બ્રાઝિલને વોચલિસ્ટમાં રાખ્યાં છે.
આ યાદીમાં 78મા ક્રમે ભારત સાથે બુર્કિના ફાસો, ઘાના, કુવૈત, લિસોથો, તુર્કી અને દક્ષિણ અમેરિકાનો એક દેશ સામેલ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ચિલી, માલ્ટા, તુર્કી અને મેક્સિકોએ આ મામલે પોઈન્ટ ગુમાવ્યા છે.