સંયુક્ત રાષ્ટ્ર (ન્યૂયોર્ક) – સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની મહાસમિતિના આજે અહીં મળેલા 74મા સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને આતંકવાદની સમસ્યા સામે ચેતવ્યું હતું અને પોતાની સરકારે ભારતમાં હાથ ધરેલા માનવતાવાદી પગલાંઓની જાણકારી આપી હતી.
વડા પ્રધાન મોદીના ભાષણ વખતે યુએન જનરલ એસેમ્બલી હોલ પ્રતિનિધિઓની તાળીઓનાં ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો.
વડા પ્રધાને પોતાના સંબોધનમાં કરેલા રજૂ કરેલા મુખ્ય મુદ્દા આ મુજબ છેઃ
- આતંકના નામે વિભાજીત થયેલું વિશ્વ એ સિદ્ધાંતોને હાનિ પહોંચાડે છે જેના આધાર પર યુએન સંસ્થાનો જન્મ થયો છે. એટલા માટે જ માનવતાને ખાતર આતંકવાદ વિરુદ્ધ સમગ્ર વિશ્વએ સંગઠિત થવું પડશે.
- અમે આતંકવાદના દૂષણ સામે ગંભીર પણ છીએ અને કડક પણ.
- 2025ની સાલ સુધીમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનું કામ અમારા દેશમાં ચાલી રહ્યું છે.
- સવાસો વર્ષ પહેલાં ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં સમગ્ર દુનિયાને ભાઈચારા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. ભારતનો આજે પણ વિશ્વ સમુદાય માટે આ જ સંદેશ છે.
- ઈતિહાસ અને Per Capita Emission ની દ્રષ્ટિએ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગમાં ભારતનું યોગદાન બહુ જ ઓછું રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનો સામનો કરવા માટે પગલાં લેનાર ભારત અગ્રણી દેશોમાંનો એક છે.
- ભારતે દુનિયાને યુદ્ધ નહીં, પણ બુદ્ધ આપ્યા છે. ભારતે સદીઓથી ચાલી આવતી વિશ્વ બંધુત્વ અને વિશ્વ કલ્યાણની મહાન પરંપરાને છેલ્લા પાંચ વર્ષમાં મજબૂત કરવાનું કામ કર્યું છે.
- ભારત હજારો વર્ષ જૂની મહાન સંસ્કૃતિ છે. જેની પોતાની જીવંત પરંપરાઓ છે, જેણે જાગતિક સપનાંઓને પોતાનામાં સમાવી લીધાં છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ જીવમાં શિવને નિહાળે છે.
- મેં અહીં સંયુક્ત રાષ્ટ્રની દીવાલ પર વાંચ્યું હતું: ‘નો મોર સિંગલ યુઝ પ્લાસ્ટિક.’ મને આજે કહેતા આનંદ થાય છે કે અમે સૌ ભારત દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે મોટી ઝુંબેશ ચલાવી રહ્યાં છીએ.
- વિકાસશીલ ભારત દેશ દુનિયાનો સૌથી મોટો Financial Inclusion કાર્યક્રમ સફળતાપૂર્વક ચલાવે છે. પાંચ વર્ષમાં 37 કરોડથી વધારે ગરીબ લોકોનાં બેન્ક ખાતા ખોલ્યા છે. તે સંબંધિત વ્યવસ્થાઓથી ગરીબોમાં વિશ્વાસ પેદા થાય છે.
- વિકાસશીલ દેશ ભારતે દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું. માત્ર પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલય બનાવી દેશવાસીઓને આપ્યા.
- ભારત દેશ આજે દુનિયાની સૌથી મોટી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ સફળતાપૂર્વક ચલાવે છે. 50 કરોડ લોકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજની સુવિધા આપે છે.