ટોરન્ટો: કેનેડામાં 21 ઓક્ટોબરે થયેલ સામાન્ય ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે અને હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એકવાર સરકાર બનાવવાની નજીક છે. જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને રોમાંચક ચૂંટણી જંગમાં બહુમત તો નથી મળ્યો પણ તે બહુમતની નજીક છે એટલે સરકાર બનાવી શકે છે. જસ્ટિન ટ્રુડોની સરકારને બહુમત માટે 13 સીટોની જરૂર છે. આ દરમ્યાન ભારતીય મૂળના કેનેડીયન નેતા જગમીત સિંહ એક કિંગમેકર તરીકે ઊભરી આવ્યા છે. તેમની પાર્ટીને એટલી સીટો મળી ગઈ છે, જે સરકાર બનાવવામાં મદદ કરી શકે છે.
પરિણામો અનુસાર જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને 157 સીટો મળી છે, જ્યારે બહુમતિ માટે 170 સીટોની જરૂર હોય. તો જગમીત સિંહની પાર્ટી ન્યૂ ડેમોક્રેટ (NDP) ને 24 સીટો મળી છે. હવે જગમીત સિંહની પાર્ટી NDP સંસદમાં કિંગમેકરની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
પરિણામો બાદ ગ્રીન પાર્ટી, અપક્ષ અને બ્લૉકકૉઇસ પાર્ટીના મુખ્ય નેતાએ લિબરલ પાર્ટીને સમર્થન આપવની ના પાડી દીધી છે, આ જોતાં હવે સત્તાની ચાવી જગમીત સિંહ પાસે છે. જો તે જસ્ટિન ટ્રુડોને સાથ આપે તો તેમની સરકાર બની શકે છે.
કોણ છે જગમીત સિંહ
વ્યવસાયે ક્રિમિનલ વકીલ જગમીત સિંહ આ વખતે કેનેડાની સત્તામાં કિંગ મેકર બનીને ઊભરી આવ્યા છે. તેમણે 2011માં રાજકિય કરિયરની શરૂઆત કરી હતી અને પહેલી ચૂંટણી હારી ગયા હતા. 2015માં તેમને પાર્ટી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને 2017માં પાર્ટીની કમાન તેમના હાથમાં આવી. તે ઘણીવાર પ્રો-ખાલિસ્તાની રેલીઓમાં પણ જોવા મળ્યા છે, જેના કારણે ભારતમાં તેમનો વિરોધ થયો હતો. 2015ની ચૂંટણીમાં તેમની પાર્ટીને 44 સીટો મળી હતી. આ વખતે સીટોમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.