તુર્કી જતા ભારતીયો માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તુર્કીની સ્થિતિ જોતા યાત્રીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં તુર્કી જનારા ભારતીય નાગરિકોને વધારે સુરક્ષિત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તરી સીરિયામાં કુર્દ ઠેકાણાઓ પર હુમલાના કારણે તુર્કીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. આ સાથે જ પાકિસ્તાનથી તુર્કીનું અંતર સતત વધી રહ્યું છે.

ભારત અને તુર્કી વચ્ચે સતત વધી રહેલો તણાવ સ્પષ્ટ નજરે ચઢી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે તુર્કીએ સતત પાકિસ્તાનનો સાથ આપ્યો, ત્યારબાદ ભારતે કઠોરતાથી આંતરિક મામલાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો. જો કે પાકિસ્તાન સાથે તુર્કીની મિત્રતા અહીંયા પૂર્ણ ન થઈ અને તેણે FATF માં પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું.

તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈયપ આર્દોઆને તાજેતરમાં જ પોતાની પાર્ટીની એક બેઠકમાં કથિત રીતે તુર્કીને ન્યૂક્લિયર પાવર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારબાદથી એ વાતની ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને તુર્કીને પરમાણુ ટેક્નોલોજી વેચી છે. આર્દોમાનના નિવેદન બાદથી વોશિંગ્ટનમાં હલચલ વધી છે. પાકિસ્તાની તસ્કર અબ્દુલ કાદિર ખાનથી તુર્કીના લિંક હોવાની પણ વિગતો સામે આવી છે.

આંતરરાષ્ટ્રીય દબાણ અને યુદ્ધ વિરામ પર સહમતી વ્યક્ત કર્યા બાદ પણ ઉત્તરી સીરિયામાં તુર્કીનો કુર્દો પર હુમલો ચાલુ છે. ભારતે કુર્દો પર તુર્કીના હુમલાની નિંદા કરતા તાત્કાલીક આને રોકવાની માંગ કરી હતી. તુર્કી અને ભારત વચ્ચે આ મુદ્દાને લઈને અત્યારે તણાવ વધ્યો છે.