નવી દિલ્હીઃ ભારતની એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરીક્ષણ દ્વારા અંતરિક્ષમાં એક ઉપગ્રહને નષ્ટ કર્યા બાદ અમેરિકી વિશેષજ્ઞોએ કહ્યું છે કે અંતરિક્ષ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેને હજી લાંબી સફર કાપવાની છે. બુધવારના રોજ કરવામાં આવેલા સફળ પરિક્ષણ બાદ દુશ્મન ઉપગ્રહોને નષ્ટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. અત્યારસુધી આ ક્ષમતા અમેરિકા, રશિયા અને ચીન પાસે જ હતી. કાર્નેજી ઈન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના સીનિયર ફેલો એશલે ટી ટેલીસે કહ્યું કે ચીનના 2007ના એ-સેટ મિસાઈલ પરીક્ષણ બાદથી ભારતે ભવિષ્યમાં ભારતીય અંતરિક્ષ સંપદા પર મુખ્ય રીતે ચીનના સંભવિત હુમલાઓને રોકવા માટે પોતાના એ-સેટ પરીક્ષણનો ઈરાદો કર્યો હતો.
તેમણે કહ્યું કે આ લક્ષ્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ જ્યાં સુધી અંતરિક્ષ સુનિશ્ચિત કરવાની વાત છે, ભારતને હજી લાંબી સફર કાપવાની છે. ટેલીસે મીડિયાને કહ્યું કે ચીન પાસે અંતરિક્ષમાં ભીષણ પ્રતિરોધી ક્ષમતાઓ છે અને ભારતીય અંતરિક્ષ પ્રણાલિઓ શાંતિકાળ અને યુદ્ધકાળમાં હજી પણ અત્યાધિક અસુરક્ષિત છે. બુધવારના એ-સેટ પરીક્ષણે આ બુનિયાદી હકીકત પર કોઈ અસર નથી નાંખી.
મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ ટેક્નોલોજીમાં રાજનીતિ વિજ્ઞાનના એસોસિએટ પ્રોફેસર વિપિન નારંગે આ મામલે મીડિયાને જણાવ્યું કે આ પરિક્ષણથી ક્ષેત્રમાં શક્તિ સંતુલનમાં કોઈ બદલાવ આવવાની સંભાવના નથી. નારંગે મીડિયાને જણાવ્યું કે પાકિસ્તાન ભારતીય ઉપગ્રહો પર હુમલો કરવાનું શરુ કરે તો, ભારત પાકિસ્તાનના કેટલાક ઉપગ્રહોને પાડી શકે છે. તો ચીન, ભારતના તમામ ઉપગ્રહોને નષ્ટ કરી શકે છે જ્યારે ભારત ચીનના ઉપગ્રહો સાથે આવું ન કરી શકે. થિંક ટેંક આર્મ્સ કન્ટ્રોલ એસોસિએશનના ડેરીલ જી કિમ્બોલે એક ટ્વિટમાં આને ખતરનાક અને અસ્થિર કરનારું પગલું ગણાવ્યું. તેમણે વૈશ્વિક સ્તર પર આ પ્રકારના પરીક્ષણ પર પ્રતિબંધની જરુરતનો ઉલ્લેખ કર્યો.