નવી દિલ્હીઃ સતત વિકાસ અને જળવાયુ પરિવર્તનની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા ભારતે હવે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોને એક-એક સોલાર પેનલ ગિફ્ટમાં આપી છે. આ પેનલો સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની છત પર લગાવામાં આવી રહી છે.
અંદાજે 10 લાખ અમેરિકન ડોલરના ખર્ચે આ સોલાર પેનલોને ગિફ્ટ તરીકે સભ્ય રાષ્ટ્રોને આપવામાં આવી છે. આ પેનલોમાંથી 50 કિલોવોટ સુધી વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદીને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપતા લખ્યું કે, ભારત સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે અને સંયૂક્ત રાષ્ટ્રના દરેક સભ્યદેશ માટે એક એક સોલાર પેનલ આપવામાં આવી રહી છે. ભારતે ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર કહ્યું હતું કે, તે સંયુક્ત રાષ્ટ્ર પરિસરમાં અક્ષય અને સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયની સાથે સહયોગ કરશે.