નવી દિલ્હીઃ મોબાઈલ ટેક્નોલોજીએ આપણા જીવન જીવવાની પદ્ધતિ બદલી દીધી છે. પછી તે ભણવાનું હોય કે, કામ કરવાનું હોય, એકબીજા સુધી પોતાની વાત પહોંચાડવાનું પણ કેમ ન હોય, શોપિંગ હોય કે પછી કોઈની સાથે ડેટિંગ હોય. મોબાઈલ આવ્યાં બાદ બધું બદલાઈ ગયું છે. આ બધી વાતોથી આપણે એમ તો પરિચિત છીએ. પરંતુ એક વાત એવી પણ છે કે જેનાથી આપણે પરિચિત નથી. ત્યારે આવો જાણીએ કેટલીક ચોંકાવનારી માહિતી.
મોબાઈલ જેવા નાનકડા મશીનથી આપણાં શરીરમાં રહેલું કંકાલ બદલાઈ રહ્યું છે. એક નવી શોધ અનુસાર મોબાઈલનો વધારે ઉપયોગ કરનારા યુવાનોના શરીરમાં શીંગડા નીકળી રહ્યાં છે. મસ્તિષ્કના સ્કેનમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
હા, બાયોમિકેનિક્સ એટલે કે જૈવ યાંત્રિકી પર કરવામાં આવેલા રીસર્ચમાં ખુલાસો થયો છે કે મસ્તિષ્કને વધારે સમય સુધી નમાવી રાખવાના કારણે યુવાનો પોતાની ખોપડી પાછળના ભાગે શિંગડા વિકસિત કરી રહ્યાં છે. રીસર્ચ અનુસાર મોબાઈલ પર કલાકો સુધી વાત કરનારા યુવાનો આનો શિકાર થઈ રહ્યાં છે. આ રીસર્ચને ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ સ્થિત સનશાઈન કોસ્ટ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું.
રીસર્ચમાં કહેવામાં આવ્યું કે સ્પાઈનલ કોડથી વજન શિફ્ટ થઈને માથી પાછળની માંસપેશીઓ સુધી જવાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાડકાનો વિકાસ થાય છે. પરિણામે એક હુક અથવા શિંગડાની જેમ એક હાડકાંનો વિકાસ થઈ રહ્યો છે જે ગળાની બીલકુલ ઉપર ખોપડીથી બહાર નીકળે છે. વોશિંગ્ટન ટાઈમ્સના અનુસાર મસ્તિષ્કના નીચલા ભાગથી આ કાંટેદાર હાડકાને જોઈ શકાય છે. આ હાડકું કોઈ શિંગડાની જેમ લાગે છે. ડોક્ટરો અનુસાર મસ્તિષ્કનું વજન આશરે સાડા ચાર કીલોગ્રામ હોય છે એટલે કે એક તરબૂચ જેટલું. સામાન્યરીતે મોબાઈલનો ઉપયોગ કરતા સમયે લોકો પોતાના માથાને સતત આગળની તરફ હલાવે છે. ત્યારે આવામાં ગળાના નીચલા ભાગની માંસપેશીઓમાં ખેંચાણ પેદા થાય છે અને આને લઈને હાડકા બહારની તરફ આવી જાય છે, જે કોઈ શિંગડાની જેમ દેખાય છે. આવું માથા પર વધારે દબાણ પડવાથી થઈ રહ્યું છે.
શોધકર્તાઓનું કહેવું છે કે સ્માર્ટફોન અને આ જ પ્રકારના અન્ય ડિવાઈઝ માનવ સ્વરુપને બદલી રહ્યાં છે. યૂઝરને નાની સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે જોવા માટે આગળની તરફ ઝૂકવું પડે છે. શોધકર્તાઓનો દાવો છે કે ટેક્નોલોજીનો માનવ શરીર પર પડનારો પ્રતિકૂળ પ્રભાવ આ પ્રકારે પ્રથમવાર જોવા મળ્યો છે.
આપને જણાવી દઈએ કે શોધકર્તાઓનું પ્રથમ પેપર જર્નલ ઓફ એનાટોમીમાં વર્ષ 2016માં પ્રકાશિત થયું હતું. આમાં 216 લોકોના એક્સ-રે ને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ લોકોની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હતી. રીસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે 41 ટકા યુવા વયસ્કોના માથાનું હાડકું વધી રહેલું જોવા મળ્યું છે. જે પહેલાં લગાવેલા અનુમાનની તુલનામાં ખૂબ વધારે છે. આ મહિલાઓની તુલનામાં પુરુષોમાં વધારે જોવા મળે છે.