નવી દિલ્હી: ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વૉન્ટમ કમ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વૉન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો છે. પરંતુ સાદી ભાષામાં કવૉન્ટમ કમ્પ્યુટિંગનો મતલબ અત્યાર સુધીમાં તૈયાર ન થયું હોય એવુ ફાસ્ટેસ્ટ પ્રોસેસર તૈયાર કરવું એવો થાય છે. કોઈ પણ કમ્પ્યુટરની ઝડપ તેમાં રહેલા માઈક્રોપ્રોસેસર પર આધારીત હોય છે. ગૂગલે ક્વૉન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો પર કામ કરી શકે એવું પ્રોસેસર વિકસાવી લીધું છે. એ પછી ગૂગલે તેનો પ્રયોગ પોતાના કમ્પ્યુટરમાં કર્યો હતો. ગૂગલની આ સફળતા માટે સીઈઓ સુંદર પિચાઈએ ટીમને અભિનંદન આપ્યા હતા.
ગૂગલના કહેવા પ્રમાણે જે ગણતરી, કામગીરી કરવામાં સામાન્ય (ઘરે કે ઑફિસમાં વપરાતા) કમ્પ્યુટરને 10,૦૦૦ વર્ષ લાગે એ કામ ગૂગલના ક્વૉન્ટમ કમ્પ્યુટરે 3 મિનિટ 20 સેકન્ડ (200 સેકન્ડ)માં કરી દેખાડયું છે. હવેનો યુગ બિગ ડેટા એટલે કે ઢગલાબંધ માહિતીનો છે. ઓનલાઈન કે ડિજિટલ કામગીરી વધતી જાય એમ ઓનલાઈન ડેટા પણ વધતો જાય.
એ બધા ડેટાનું એનાલિસિસ કરવામાં ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ કામનું છે. કેમ કે એ લાંબી લાંબી ગણતરી પળવારમાં કરી આપે છે. માટે કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી અનેક કંપનીઓ ક્વૉન્ટ ટેકનિક પર સંશોધન કરી રહી છે. તેમાં પહેલી સફળતા ગૂગલને મળી છે.
અત્યારના કમ્પ્યુટરો બિટના સિદ્ધાંત પર કામ કરે છે. દરેક માહિતી કમ્પ્યુટર ઝીરો અને એક સ્વરૂપે સેવ કરે છે. આ દરેક આંકડો બિટ તરીકે ઓળખાય છે. જ્યારે ક્વૉન્ટમ કમ્પ્યુટર ક્વૉન્ટમ બિટ એટલે ટૂંકમાં ક્વિબિટ સિદ્ધાંત પર કામ કરે છે. તેમાં એક સમયે માત્ર ઝીરો કે એકને બદલે અનેક માહિતી સેવ થઈ શકે છે. એટલે આપોઆપ તેનું કામ ઝડપી બને છે.
ગૂગલના આ દાવા અંગે કમ્પ્યુટર ક્ષેત્રની જાયન્ટ કંપની આઈબીએમએ કહ્યું હતું કે અમને ખબર નથી દાવો સાચો છે કે ખોટો છે. પરંતુ જો સાચો હોય તો આ સંશોધનથી કમ્પ્યુટિંગ ક્ષેત્રનું ભવિષ્ય બદલાઈ જશે એ વાત નક્કી છે. જોકે આઈબીએમનો પણ દાવો છે કે અગાઉ તેમને પણ આવી સિદ્ધિ મળી ચૂકી છે. વિવિધ કંપનીઓ વચ્ચે ચાલતી આ સ્પર્ધા ક્વૉન્ટમ સુપ્રીમસી તરીકે ઓળખાય છે. ગૂગલને તેમાં અત્યારે સફળતા મળી છે. આ અંગેનો અહેવાલ સાયન્સ જર્નલ નેચરમાં પ્રગટ થયો હતો.
દુનિયાભરમાં કમ્પ્યુટર ક્ષેત્રે હવે પછીની જરૂરિયાત સ્પીડ વધારો અને એક સાથે અનેક સ્થળોએ કામ કરી શકાય એવી સિસ્ટમ તૈયાર કરવાની છે. ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ એ ક્ષેત્રમાં મોટો આશાવાદ છે. માટે જેને તેમાં સફળતા મળે એ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે જગતમાં દબદબો ભોગવી શકે. નોબેલ વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફીનમેને ૧૯૮૦ના દાયકામાં ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ વિશે થિયરીઓ રજૂ કરી હતી.