ઈસ્લામાબાદઃ ગુલાબ જાંબુનું નામ સાંભળીને ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ એવી મીઠાઈ છે કે જે એકવાર ખાવાથી મન ભરાતું નથી. ખાસ પ્રસંગો પર બનાવવામાં આવતી મીઠાઈઓમાં ગુલાબ જાંબુ સૌથી આગળ રહે છે. પરંતુ શું આપ જાણો છે કે આ મજેદાર મીઠાઈ એક દેશની નેશનલ મીઠાઈ બની ગઈ છે.
હકીકતમાં આપણા પાડોશી દેશ પાકિસ્તાને ગુલાબ જાંબુને નેશનલ મીઠાઈ જાહેર કરી છે. પાકિસ્તાનની સરકારે નાગરિકોને ટ્વિટર પર રાષ્ટ્રીય મીઠાઈની શોધમાં એ પૂછવાનો નિર્ણય કર્યો ગુલાબ જાંબુ, બરફી અને જલેબીમાંથી કયા દેશને રાષ્ટ્રીય મીઠાઈ સ્વરુપે પસંદ કરશો. ત્યારે ગુલાબ જાંબુએ જલેબી અને બરફીને આ રેસમાં હરાવીને પાકિસ્તાનની રાષ્ટ્રીય મીઠાઈનો દરજ્જો આપ્યો છે. ગુલાબ જાંબુ ભારત, બાંગ્લાદેશ, અને નેપાળમાં ખાસી લોકપ્રિય મીઠાઈ છે. ગુલાબ જાંબુ એક ફારસી ભાષાનો શબ્દ છે.
ગુલાબ જાંબુને સૌથી વધારે વોટ મળ્યા અને તે સ્પષ્ટ રુપે વિજેતા બનીને આગળ આવ્યું. જલેબી બીજા સ્થાન પર રહી. આશરે 15000 લોકોએ આ વોટિંગમાં ભાગ લીધો. ગુલાબ જાંબુને 47%, જલેબીને 34%, અને બરફીને 19% વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ મળ્યા બાદ ગુલાબ જાંબુને નેશનલ મીઠાઈ જાહેર કરવામાં આવી છે.