વોશિંગ્ટન – અમેરિકાની અવકાશ સંશોધન એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડનસ્ટાઈને કહ્યું છે કે મંગળ ગ્રહ પર જનાર પ્રથમ પૃથ્વીવાસી એક મહિલા હશે.
સીએનએન ન્યૂઝ ચેનલે બ્રાઈડનસ્ટાઈનને વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતા રેડિયો ટોક શો ‘સાયન્સ ફ્રાઈડે’માં એવું કહેતા ટાંક્યા છે કે, ચંદ્ર પર હવે પછી કોઈક મહિલાને મોકલવામાં આવે એવી ધારણા છે અને એ વાત પણ સાચી છે કે મંગળ ગ્રહ પર જનાર પહેલી વ્યક્તિ પણ કોઈક મહિલા જ હશે.
NASAના વહીવટકારે જોકે કોઈ નામ આપ્યું નહોતું કે એ મહિલા કયા દેશની હશે એ પણ જણાવ્યું નથી, પરંતુ કહ્યું કે નાસા સંસ્થાની આગામી યોજનાઓમાં મહિલાઓ આગળ પડતા સ્થાને રહી છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની આખરમાં નાસા સંસ્થા એક સ્પેસવોક કાર્યક્રમ યોજવાની છે એમાં સામેલ થનાર બધી મહિલા અવકાશયાત્રીઓ હશે. એજન્સીએ એ માટે એન મેકક્લેન અને ક્રિસ્ટીના કોચનાં નામ પસંદ કરી લીધાં છે. તે સ્પેસવોક આશરે સાત કલાકનું રહેશે.
નાસા સંસ્થામાં હાલ જેટલા સક્રિય અવકાશયાત્રીઓ છે એમાં 34 ટકા મહિલાઓ છે. ફ્લાઈટ ડાયરેક્ટર્સની સંખ્યામાં પણ અડધા ભાગની મહિલાઓ છે.