કતારમાં ફાંસીની સજા પામેલા આઠ ભારતીયોને છોડાયા

નવી દિલ્હીઃ કતારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચરીઓને છોડી મૂકવામાં આવ્યા છે, જેમને આશરે સાડા ત્રણ મહિના પહેલાં સંદિગ્ધ જાસૂસીના એક મામલે મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતની આ એ મોટી કૂટનીતિક જીત મળી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કે તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને એમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 26 ઓક્ટોબરે એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. ખાડી દેશની અપીલીય કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડની સજાને ઓછી કરી દીધી હતી અને આ સૈનિકોને અલગ-અલગ સમયગાળા માટે જેલની સજા સંભળાવી હતી. ખાનગી કંપની અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા ભારતીય નાગરિકોને જાસૂસીના કેસમાં ઓગસ્ટ, 2022માં ધરપકડ કરી હતી.

વડા પ્રધાન મોદીએ દુબઈમાં COP28 શિખર સંમેલમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષી ભાગીદારી અને કતારમાં રહેતા ભારતીય સમુદાયની ભલાઈ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી પહેલી ડિસેમ્બર, 2023એ COP28 શિખર સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા હતા.  ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી.