તુર્કી, સિરિયામાં ભૂકંપથી થયેલા મોતોની સંખ્યા 8000ને પાર

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં ભૂકંપથી થયેલાં મોતોની સંખ્યા 8000ને પાર થઈ છે. વિવિધ દેશોએ શોધખોળ ટીમ અને મદદ પહોંચાડી છે. બચાવ ટીમ ઠંડીની મોસમમાં જીવ બચાવવા માટે આકરી મહેનત કરી રહી છે. અનેક જગ્યાએ કાટમાળની નીચેથી આવી રહેલા અવાજો હવે શાંત પણ પડવા લાગ્યા છે. અલી સાઇલો કે જેમના બે સંબંધીઓને તુર્કીના શહેર નૂરદાગીમાં બચાવી ના શકાયા. તેઓ કહે છે કે અમે તેમનો અવાજ સાંભળ્યો હતો, તેઓ મદદ માટે બૂમો પાડતા હતા.

સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી અને ત્યાર બાદ આવેલા આફ્ટરશોક્સે ખાસ્સો વિનાશ વેર્યો હતો, જે દક્ષિણ-પૂર્વ તુર્કી અને સિરિયામાં સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલો હતો. આંચકાઓએ હજારો ઇમારતો પાડી દીધી હતી અને સિરિયાના 12 વર્ષના ગૃહ યુદ્ધ અને શરણાર્થી સંકટથી પ્રભાવિત ક્ષેત્ર પર વધુ દુઃખના ડુંગર લગાવી દીધા હતા.તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફુઆત ઓક્તેએ કહ્યું હતું કે એકલા તુર્કીમાં 8000થી વધુ લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા હતા અને આશરે 3.80 લાખ લોકોને સરકારી આશ્રયો અથવા હોટેલોમાં શરણ લીધું છે. તેઓ શોપિંગ મોલ, સ્ટેડિયમ, મસ્જિદો અને સામાદિક કેન્દ્રોમાં જમા થયા હતા, જ્યારે અન્ય લોકોએ બહાર ઢાબળામાં અને તાપણાંની આસપાસ એકઠા થઈને રાત વિતાવી હતી.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું હતું કે દેશમાં 8.5 કરોડ લોકોમાંથી 1.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને તેમણએ 10 પ્રાંતોમાં ઇમર્જન્સીની સ્થિતિ ઘોષિત કરી દીધી છે. મેમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી પહેલાં તુર્કી આર્થિક મંદીથી ઝઝૂમી રહ્યું હતું.