અફઘાનિસ્તાનમાં લડાઈમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીનું મૃત્યુ

કાબુલઃ ‘પુલિત્ઝર પુરસ્કાર’ વિજેતા અને રોઈટર સમાચાર સંસ્થા વતી કામ કરતા ભારતીય ફોટોપત્રકાર દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સાથેની સરહદના એક વિસ્તારમાં અફઘાન સૈનિકો અને તાલીબાન ઉગ્રવાદીઓ વચ્ચેની લડાઈનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે સામસામા ગોળીબારમાં માર્યા ગયા છે. એ 40ની આસપાસની વયના હતા. રોઈટરના અહેવાલ મુજબ, કંદહાર પ્રાંતના સ્પીન બોલ્ડક જિલ્લાના મુખ્ય બજાર વિસ્તાર પરનો કબજો તાલીબાનો પાસેથી પાછો મેળવવા માટે અફઘાન વિશેષ દળો લડી રહ્યા છે. એ લડાઈ દરમિયાન ગોળી વાગવાથી સિદ્દીકી તથા એક સિનિયર અફઘાન અધિકારી માર્યા ગયા હતા. ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરિદ મમુંડજેએ ટ્વીટ કરીને આ સમાચારને આજે સમર્થન આપ્યું હતું. એમણે લખ્યું છે કે કંદહારમાં ગઈ કાલે રાતે મારા એક મિત્ર દાનિશ સિદ્દીકીની હત્યાના દુઃખદ સમાચાર વ્યથિત કરનારા છે. બે અઠવાડિયા પહેલાં એ કાબુલ જવા માટે રવાના થયા ત્યારે હું એમને મળ્યો હતો. એમના પરિવારજનો પ્રતિ દુઃખની લાગણી વ્યક્ત કરું છું.

અફઘાનિસ્તાનની ટોલો સમાચાર ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે સિદ્દીકીએ તાજેતરમાં એક પોલીસકર્મીને બચાવવા માટે અફઘાનિસ્તાનના વિશેષ દળો દ્વારા ચલાવાઈ રહેલા એક મિશનનું કવરેજ કર્યું હતું. તે પછી એ આતંકવાદીઓના નિશાને હતા. દાનિશને 2018માં પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિંગ્યા મુસલમાનોના વિષયમાં એમણે કરેલા કવરેજ બદલ એમને તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]