ધર્મશાળા- તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું કે, તેમનો ઉત્તરાધિકારી ભારતમાંથી જ કોઈ હશે. તેમણે કહ્યું કે, મારી જિંદગીના 60 વર્ષ મેં ભારતમાં વિતાવ્યાં છે, અને અહીં જ કોઈ મારો ઉત્તરાધિકારી બનશે. તેમણે ચેતવણી ભરેલા સ્વરમાં કહ્યું કે, ચીન દ્વારા જાહેર કરાયેલા કોઈ પણ ઉત્તરાધિકારીને સન્માન નહીં મળે.
દલાઈ લામા દ્વારા તિબ્બત છોડવાની વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે તેમણે ધર્મશાળામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, ચીન માટે દલાઈ લામાનો પુન: જન્મ ઘણો મહત્વપૂર્ણ છે, માટે તેમના માટે મારા કરતાં વધુ ચિંતાનો વિષય આગામી દલાઈ લામા છે.
તેમણે કહ્યું કે, તમે ભવિષ્યમાં બે દલાઈ લામા જોઈ શકો છો, જેમાંથી એક આઝાદ દેશમાંથી આવ્યો હશે અને બીજો ચીનમાંથી તો તેનો અર્થ સ્પષ્ટ છે કે, ચીન દ્વારા જાહેર કરાયેલ દલાઈ લામાને સન્માન નહીં મળે. આ સ્થિતિમાં ચીન માટે તેમની અલગ સમસ્યા છે. એ વાતની પૂર્ણ સંભાવના છે કે, આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ જન્મ લેશે.
તમને જણાવી દઈએ કે, અગાઉ ચીને કહ્યું હતું કે, તેમના નેતાઓ પાસે દલાઈ લામાનો ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર છે. આ પરંપરાને ચીની શાસકો તરફથી જ જૂના જમાનામાં સ્વીકારવામાં આવી હતી. જોકે, એવા તિબ્બતીઓ મોટી સંખ્યામાં છે જે કહે છે કે, દલાઈ લામાની મૃત્યુ પર તેમની આત્મા એક બાળકના શરીરમાં અવતરિત થાય છે, જો આ પ્રક્રિયામાં ચીન તરફથી કોઈ પણ ખોટું કામ કરવામાં આવશે તો, તેનો પ્રભાવ સમુદાય પર પડશે.