મુશર્રફને દુર્લભ બીમારીના અહેવાલ, દુબઈમાં થઈ રહી છે સારવાર

નવી દિલ્હી–  પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક  પરવેઝ મુશર્રફ એક ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયાં છે. જેથી તેમને સારવાર માટે દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ બિમારીને કારણે તેમની નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઈ ગઈ છે. તેમની પાર્ટીએ આ જાણકારી આપી હતી. મુશર્ફ વર્ષ 2016થી દુબઈમાં રહે છે. તેમના પર વર્ષ 2007માં બંધારણનો ભંગ કરવા મામલે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. આ દંડનીય અપરાધ મામલે 2014માં સુનાવણી શરુ કરવામાં આવી હતી. જો તે આ મામલે દોષી સાબિત થશે તો તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે.

પરવેઝ મુશર્રફની તબિયત અચાનક લથડતા તેમને બે દિવસ પહેલાં ઈમરજન્સી સ્થિતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ) મહાસચિવ આદમ મલિકે આ અંગે જાણકારી આપી હતી. એપીએમએલના ઓવરસીઝ અધ્યક્ષ સિદ્દિકીએ કહ્યું કે, મુશર્રફને એમિલાયડૉસિસ નામની દુર્લભ બીમારી થઈ ગઈ છે, હાલ તેની સારવાર ચાલી રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપી છે. મુશર્રફને થયેલી આ બિમારીએ તેમના નર્વસ સિસ્ટમને નબડી પાડી દીધી હતી.

સિદ્દીકીએ કહ્યું કે, એમિલાયડૉસિસને કારણે તેમના શરીરના અંગોમાં પ્રોટીન જમા થવાનું શરુ થઈ ગયું હતું. જેથી તેમને ઉભા રહેવા અને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ બીમારીના ઈલાજમાં 5થી 6 મહિનાનો સમય લાગી શકે છે, સંપૂર્ણ રીતે સ્વસ્થ થયાં બાદ પાકિસ્તાન પરત આવવાનો મુશર્ફનો ઈરાદો છે.