ચીનમાં કોરોનાના દૈનિક કેસો છેલ્લા 24 કલાકમાં બે ગણા થયા

બીજિંગઃ ચીન વૈશ્વિક રોગચાળાના પ્રારંભના દિવસો પછી અત્યાર સુધીના સૌથી મોટા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ચીનમાં મંગળવારે કોરોનાના નવા કેસો સોમવારની તુલનાએ બે ગણા નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનના 3507 નવા કેસો નોંધાયા હતા, જ્યારે એના એક દિવસ પહેલાં 1337 દૈનિક કેસો નોંધાયા હતા, એમ નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું. ચીનમાં ફરી એક વાર કોરોના વાઇરસના વધુ સંક્રમક સ્ટીલ્થ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. પૂર્વોત્તર ચીનના જિલિન પ્રાંતમાં સંક્રમણના સૌથી વધુ 2601 નવા કેસો નોંધાયા હતા. ચીનમાં ફરી એક વાર કોરોના રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. અહીં ઝડપથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કેસોને જોતાં ચાંગચૂન શહેરમાં –જ્યાંની વસતિ 90 લાખ છે, ત્યાં લોકડાઉન લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. વળી, અહીં અને જિલિનમાં સરકારે ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો છે.

ચીનના બીજિંગ, શાંઘાઈ અને શેનઝેન જેવાં મુખ્ય શહેરોમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. ચીનના શાંઘાઈ, શેનઝેન સહિત અનેક શહેરોમાં ફેલાતા પ્રકોપ પછી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. શાંઘાઈમાં કુલ 1,79 કરોડ લોકો હાલ લોકડાઉનમાં છે.

ચીનના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ વેબિઓમાં એક જણે લખ્યું હતું કે ચીનમાં વર્ષ 2020માં કોવિડ-19 રોગચાળા કરતાં પણ હાલનો સમયગાળો ઘણો મુશ્કેલભર્યો છે.

જોકે ચીનના નિષ્ણાતોએ સ્થાનિક સરકારોને શહેરોમાં લોકડાઉન જેવાં આકરાં પગલાં ન લગાવવાની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે એનાથી સ્થાનિક અર્થતંત્રને નુકસાન થાય છે.