પેરિસ/નવી દિલ્હીઃ દુનિયાભરમાં એક વર્ષથી પણ વધારે સમયથી હાહાકાર મચાવી રહેલા કોરોનાવાઈરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે તમામ દેશોમાં નાગરિકોને આ વાઈરસ-વિરોધી રસી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત પણ એમાં બાકાત નથી. કોરોના-રસીના ડોઝની સંખ્યા વિશ્વસ્તરે ગઈ કાલે એક અબજના આંકને પાર કરી ગઈ છે. આ સાથે એવી આશા બળવત્તર થઈ છે કે આ રોગચાળાને વહેલી તકે અંકુશમાં લાવી શકાશે.
એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, દુનિયાના 207 દેશો અને પ્રદેશોમાં શનિવાર, 24 એપ્રિલ સુધીમાં ઓછામાં 1,00,29,38,540 લોકોને કોરોના-વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે. જોકે બીજી બાજુ આ મહાબીમારીના દૈનિક કેસના આંકડાએ પણ એક નવો વિક્રમ બનાવ્યો છે અને એનું મુખ્ય કારણ ભારતમાં આ રોગાચાળાનો થયેલો વિસ્ફોટક ફેલાવો છે. ગયા શુક્રવારે નવા કોરોના દર્દીઓનો આંકડો 8,93,000 નોંધાયો હતો. ભારતમાં ગઈ કાલે નવા 3,46,786 કેસ નોંધાયા હતા. રોગચાળો ફાટી નીકળ્યો ત્યારપછી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કોરોના-દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. દરમિયાન, ભારત દેશ માત્ર 99 દિવસોમાં 14 કરોડ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપીને આટલા બધા ડોઝ આટલી ઝડપે આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે.