બિજીંગ- ચીને ગત 5 વર્ષોમાં એશિયા, પૂર્વ યુરોપ અને આફ્રિકામાં અનેક મોટા પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. ચીને પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારવા આમ કર્યું છે. જોકે હવે ચીને વિવિધ પ્રોજેક્ટ્સ માંથી તેના હાથ ખેંચવાનું શરુ કર્યું છે. આપને જણાવી દઈએ કે, ચીનની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સોદા તેની મોટી વૈશ્વિક યોજના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ’ હેઠળ છે. જોકે હવે ચીનની કંપનીઓએ કોશન નોટ જારી કરીને જણાવ્યું છે કે, ચીનની સંસ્થાઓને લોન આપતા પહેલાં સાવચેત રહેવું જોઈએ અને એ માહિતી મેળવવી જોઈએ કે, શું લોન પરત ચુકવવા માટે કંપનીઓ સક્ષમ છે કે નહીં?અક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાના ચેરપર્સન હુ જિયાઓલિયાને જણાવ્યું કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઘણી અસ્થિરતા છે અને તેમાં નુકસાનની શક્યતાની સાથે વ્યાજ દરો પણ ઝડપથી બદલાતા રહે છે. તેમણે કહ્યું કે, ચીનની કંપનીઓ અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવને પણ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ચીને તેની એજન્સીઓને માહિતી મેળવવા કહ્યું છે કે, કેટલા સોદા થયા છે, ક્યા દેશ સાથે થયા છે અને તેમાં કેવા પ્રકારની નાણાકીય શરતોનું પાલન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા અને યુરોપ ઘણા લાંબા સમયથી ચિંતિત છે કે, બેલ્ટ અને રોડ ચીન દ્વારા આર્થિક શક્તિ બનવાની યોજના છે. જેના માટે ચીન સરકાર મોટાપાયે આર્થિક ખર્ચ કરી રહી છે.
હાલમાં ચીન અર્થતંત્રની ગતિ ધીમી પડી છે. અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે ચીનને સ્થાનિક દેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે ચીનની મોટા ભાગની પ્રવૃત્તિઓ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ અંતર્ગત કરવામાં આવશે. વધુ લોન આપવી એ ચીન માટે અન્ય દેશો સાથેના સંબંધો ખરાબ પણ કરી શકે છે. મલેશિયા અને શ્રીલંકાની નવી સરકારોએ આ અંગે પૂછ્યું છે કે, ચીન પાસેથી આટલી લોન લેવાનું કારણ શું છે?