બેજિંગઃ ચીનએ દાવો કર્યો છે કે પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઈને સકારાત્મક પ્રગતિ થઈ છે. તો આ જ સાથે તેણે અમેરિકા પર મુદ્દાને સીધો જ સુરક્ષા પરિષદમાં જઈને ખોટું ઉદાહરણ રજૂ કરતાં તેના પ્રયાસોને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.
સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અઝહરને સૂચિબદ્ધ કરવાના ફ્રાંસના પ્રસ્તાવ પર ચીન દ્વારા રોક લગાવ્યાના બે સપ્તાહ બાદ અમેરિકાએ અઝહરને બ્લેક લિસ્ટમાં નાંખવા, તેના પર પ્રતિબંધ લગાવવા અને તેની સંપત્તિના ખરીદ વેચાણ પર રોક અને હથિયાર રાખવા પર રોક લગાવવા માટે 27 માર્ચના રોજ 15 રાષ્ટ્રો વાળી શક્તિશાળી પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ચીને જૈશ પ્રમુખને વૈશ્વિક આતંકી તરીકે સૂચિબદ્ધ કરવામાં રોડા નાંખવાના પોતાના પ્રયત્નોનો ગત સપ્તાહે બચાવ કર્યો હતો અને અમેરિકાના તે આરોપથી ઈનકાર કર્યો કે તેની કાર્યવાહી હિંસક ઈસ્લામિક સમૂહોને પ્રતિબંધોથી બચાવવા જેવી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે કહ્યું કે અઝહરને ચિન્હિત કરવાની અરજીને પ્રસ્તાવિત કર્યા બાદ ચીન વિભિન્ન પક્ષો સાથે નજીકથી સંપર્ક અને સમન્વય વધારી રહ્યું છે અને તેણે સકારાત્મક પ્રગતિ કરી છે. અમેરિકા એ બહુ સારી રીતે જાણે છે. પ્રગતિથી તેમનો મતલબ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દાને પતાવવાના અર્થમાં છે, આ સ્પષ્ટ કરવા માટે જ્યારે પત્રકારોએ તેમને કહ્યું તો તેઓએ કહ્યું કે હા. અમેરિકા આ બહુ સારી રીતે જાણે છે. જો કે તેમણે આ મામલે કશી વધારે વાત ન કરી.
ચીન આ પહેલાં ચાર વાર આ પગલામાં વિધ્ન કરી ચૂક્યું છે. ચીને 13 માર્ચના રોજ 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિમાં અમેરિકા, બ્રિટનથી સમર્થિત ફ્રાંસના એક પ્રસ્તાવને એ કહીને બાધિત કરી દીધો હતો કે તેને મામલાના અધ્યયન માટે વધારે સમય જોઈએ છીએ. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પ્રસ્તાવ પર રોક એ ધ્યાનમાં રાખતા પણ લગાવવામાં આવી કે પુલવામાં આતંકી હુમલા બાદ સંબંધિત પક્ષને વાતચીત કરવાનો પણ સમય મળી શકે.
ત્યારબાદ અમેરિકાએ અઝહરને બ્લેક લીસ્ટમાં મૂકવા માટે 27 માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સીધો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે મામલે ચીને કહ્યું હતું કે આ 1267 સમિતિને ઓછી આંકવા બરાબર છે. પ્રવક્તા દ્વારા સોમવારના રોજ કરવામાં આવેલી આ ટિપ્પણીએ પ્રથમવાર કરવામાં આવી છે જ્યારે ચીને અઝહર મામલે કંઈક કહ્યું છે.