નવી દિલ્હી- વર્ષ બદલી ગયું પણ ચીન અને પાકિસ્તાનની ચાલ બદલવાનું નામ નથી લેતી. 2019ના પહેલા જ દિવસે એક ચીની સમચારપત્રે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે, ચીન તેમના મિત્ર પાકિસ્તાન માટે મોસ્ટ એડવાન્સ યુદ્ધ જહાજોનું નિર્માણ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ચીન પાકિસ્તાનને ચાર નેવલ વોરશિપ આપશે. આ યુદ્ધ જહાજોને હિંદ મહાસાગરમાં તહેનાત કરવામાં આવશે. મહત્વનું છે કે, જો આ યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવશે તો ભારતની ચિંતામાં વધારો થાય તેવી શક્યતા છે.
ચીનના સમાચાર પત્ર ચાઈના ડેઈલીએ ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન (સીએસએસસી)ના અનુસાર લખ્યું છે કે, આ યુદ્ધ જહાજો આધુનિક શોધ અને હથિયાર પ્રણાલીથી સજ્જ હશે. આ જહાજ એન્ટી શીપ, એન્ટી સબમરીન અને હવા સંરક્ષણ કામગીરીમાં કુશળ હશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ નિર્માણાધિન જહાજ ચીની નૌસેનાના અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ ફ્રીગેટનું સંસ્કરણ છે.
જોકે, CSSCએ જહાજોના પ્રકાર અંગે વધુ જાણકારી નથી આપી. આ જહાજોનું નિર્માણ કાર્ય શાંઘાઈ સ્થિત હુદોંગ-ઝોંગહુઆ જહાજ કારખાનામાં થઈ રહ્યું છે. ચીનને પાકિસ્તાનનું સદાબહાર મિત્ર કહેવામાં આવે છે, અને તે પાકિસ્તાનને હથિયારોની સપ્લાઈ કરનારો સૌથી મોટો દેશ છે.
આ યુદ્ધ જહાજો ઉપરાંત બંન્ને દેશો સંયુક્ત રીતે જેએફ-થંડરનું પણ નિર્માણ કરી રહ્યાં છે. આ એક એકલ એન્જીન ધરાવતું લડાકૂ વિમાન છે.
તમને જણાવી દઈએ કે, ચીન સતત પાકિસ્તાનની મદદ કરતું આવ્યું છે. ચીન અને પાકિસ્તાન મળીને એક ઈકોનોમિક કોરિડોર પણ બનાવી રહ્યું છે, જેનો અમુક ભાગ પાકિસ્તાન અધિકૃત કશ્મિરમાં થઈને નિકળે છે. ચાઈના-પાકિસ્તાન કોરિડોરનું ભારત પુરજોશમાં વિરોધ કરતું આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક નવો ઘટસ્ફોટ થયો હતો કે, પાકિસ્તાન રશિયા, ચીન અને ઈટાલી પાસેથી મોટી ટેન્ક અને તોપ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. દેખીતી રીતે પાકિસ્તાન એક તરફ પોતે કંગાળ હોવાનો દેખવ કરી રહ્યું છે, તો બીજી તરફ પોતાના હથિયારોના ખજાનાને મજબૂત કરી રહ્યું છે.