નવી દિલ્હી: આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયતને ફટકો પડ્યો છે કારણ કે ચીને વીટો વાપરીને અડીંગો લગવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ‘1267 અલ કાયદા સેંક્શન્સ કમિટી’ હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ 27 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજુ કર્યો હતો.
પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદને તેની કુખ્યાત ગતિવિધિઓ અને અલ કાયદા સાથે લિંક હોવાના પગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1267/1989/2253 હેઠળ સ્થાપિત સમિતિની સૂચિમાં 2001માં સામેલ કરાયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના પ્રસ્તાવ 1267ની વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ પ્રતિરોધી રણનિતિનો મૂળભૂત અંગ છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1267ને 15 ઓક્ટોબર 1999ના રોજ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનની સ્થિતિ પર 1189 (1998), 1193 (1998) અને 1214 (1998) લાવવામાં આવેલા પ્રસ્તાવોને હટાવ્યા બાદ 1267ને અપનાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આ અંકમાં કાઉન્સિલે ઓસામા બિન લાદેન અને તેના સહયોગીઓને આતંકવાદીઓ તરીકે નામિત કર્યાં અને અલ કાયદા, ઓસામા બિન લાદેન અને / અથવા તાલિબાન સાથે જોડાયેલા અને સંસ્થાઓને કવર કરવા માટે એક પ્રતિબંધ વ્યવસ્થાને સ્થાપિત કરાઈ.
કમિટીના સબ્યોની પાસે પ્રસ્તાવ પર આપત્તિ જતાવવા માટે 10 દિવસનો સમય હતો. આ સમયગાળો બુધવારે( ન્યૂયોર્કના સ્થાનિક સમય મુજબ) બપોરે 3 વાગે (ભારતીય સમય મુજબ ગુરુવારે રાતે સાડા બાર વાગે) ખતમ થવાનો હતો. યુએનમાં એક રાજનયિકે બતાવ્યું કે સમયમર્યાદા ખતમ થતા અગાઉ ચીને પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી દીધી. તેમણે કહ્યું કે ચીને પ્રસ્તાવની તપાસ કરવા માટે વધુ સમય માંગ્યો છે. આ ટેક્નિકલ રોક છ મહિના માટે માન્ય છે અને ત્યારબાદ તેને 3 મહિના વધુ આગળ વધારી શકાય છે.
છેલ્લા 10 વર્ષમાં યુએનમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાનો આ ચોથો પ્રસ્તાવ હતો. કમિટી સામાન્ય સહમતિથી નિર્ણય લે છે. આ અગાઉ 2017માં પણ ચીને અડિંગો લગાવીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા બચાવ્યો હતો. તે સમયે ચીને કહ્યું હતું કે તે ખુબ બીમાર છે. એક્ટિવ નથી. ચીને એમ પણ કહ્યું હતું કે મસૂદ અઝહરે જૈશ એ મોહમ્મદ સાથે પોતાની લિંક ખતમ કરી લીધી છે.
એશિયા મહાદ્વિપમાં ભારતની સરખામણીમાં OBOR પ્રોજેક્ટ પૂરો કરવા માટે ચીનને પાકિસ્તાનની જરૂર છે. એમ કહેવાય છે કે જૂથનિરપેક્ષ દેશોના સંગઠનમાં પાકિસ્તાન ચીનનો સાથ આપે છે, આથી તે તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. રશિયા બાદ અમેરિકા સાથે વધી રહેલી ભારતની મિત્રતાથી ચીનને અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતો બચાવ્યો. જો કે ચીનના આ પગલાથી હવે ભારત તો ઠીક પરંતુ અન્ય સભ્ય દેશો પણ ખુબ કાળઝાળ બન્યાં છે. સભ્ય દેશોનું એવું પણ માનવું છે કે તેઓ અન્ય વિકલ્પો ઉપર પણ વિચાર કરી શકે છે. ભારત માટે એક મોટી વાત એ છે કે ચીને ભલે વિરોધ કર્યો પરંતુ અન્ય 4 સ્થાયી સભ્ય દેશો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાએ મસૂદ અઝહર પર પ્રતિબંધનું પૂરેપૂરું સમર્થન કર્યું છે.
સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશોએ ચીનનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે તેની આ નીતિ પર કાયમ રહેશે તો અન્ય કાર્યવાહી ઉપર પણ વિચાર કરી શકાય છે. સુરક્ષા પરિષદના એક ડિપ્લોમેટે ચીનને ચેતવણી આપતા કહ્યું કે જો ચીન આ પ્રસ્તાવને રોકવાની નીતિ આમ જ ચાલુ રાખશે તો અન્ય જવાબદાર સભ્ય સુરક્ષા પરિષદમાં બીજા પગલાં લેવા માટે મજબુર થઈ શકે છે. આવી સ્થિતિ પેદા થવી જોઈએ નહીં.
અમેરિકાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું આ સુરક્ષા પરિષદની પ્રતિબંધ સૂચિને અપડેટ કરાવવાના અમારા પ્રયત્નો ચાલુ રહેશે. ભારતમાં અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સેંક્શન્સ કમિટીની ભલામણો પર ખુલીને ચર્ચા થઈ શકે નહીં. પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સૂચિમાં આતંકીઓના નામ સામેલ કરાવવા માટે પ્રયત્નો ચાલુ રહેશે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન સિવાય અન્ય તમામ સભ્ય દેશો મસૂદ અઝહર પર પ્રતિબંધના પક્ષમાં હતાં. ચોથીવાર ચીનના વીટો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંક વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ રહેશે. ભારતનું કહેવું છે કે અન્ય તમામ મંચો પરથી આતંકના આકાઓ વિરુદ્ધ પોતાની વાત રજુ કરશે અને ન્યાયની માગ કરતું રહશે.