લંડન- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને બ્રિક્ઝિટ મામલે સંસદમાં મંગળવારે મોટી હારનો સામનો કરવો પડયો છે. બ્રેક્ઝિટ પર મહત્વપૂર્ણ નિર્ણય પહેલા એક સાંસદ પક્ષ પલટો કરી લેતા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંસદમાં બહુમતિ ગુમાવી દીધી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ફિલિપ લી પક્ષ બદલીને યુરોપીયન સંઘ (ઇયુ) સમર્થક લિબરલ ડેમોક્રેટમાં સામેલ થઇ ગયા છે.
જોનસનના આ મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર 301 મત મળ્યા જ્યારે તેમની વિરુદ્ધમાં 328 મત પડયા હતાં. બોરિસ જોનસન એ વચન સાથે વડાપ્રધાન બન્યા હતા કે, જો 31 ઓક્ટોબર સુધીમાં બ્રેક્ઝિટ મામલે સમજૂતી નહીં થઈ તો બ્રિટન યૂરોપીય સંધમાંથી અલગ થઈ જશે, જ્યારે વિરોધીઓ ઈચ્છે છે કે, આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવે.
જોનસનની પોતાની પાર્ટીના 21 સાંસદોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું જેથી હવે દેશમાં ઓક્ટોબરના મધ્ય સુધીમાં સામાન્ય ચૂંટણી યોજાઈ તેવી સંભાવના છે. જો આજે બુધવારે થનાર મતદાન પણ જોનસન સરકાર વિરુદ્ધ થશે તો તે સંસદ દ્વારા બ્રેક્ઝિટ સમજૂતી પર પહોંચવા માટે ઓછામાં ઓછો 31 જાન્યુઆરી 2020 સુધીની સમયમર્યાદા માંગવા માટે બાધ્ય હશે.
પોતાની પાર્ટીના બાગી સાંસદોને ચેતવણી આપતા જોનસને કહ્યું કે, જો સંસદ બુધવારે વગર સમજૂતી વાળા બ્રેક્ઝિટ બિલને રોકવા માટે મતદાન કરશે તો લોક એ નક્કી કરશે કે, 17 ઓક્ટોબરે આ મુદ્દાના ઉકેલ અને બ્રેક્ઝિટને આગળ લઈ જવા માટે કોણ યૂરોપીય સંઘ જશે. તેમણે કહ્યું આ દેશના લોકોએ નક્કી કરવું પડશે.
લિબરલ ડેમોક્રેટ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લિબરલ ડેમોક્રેટ્સને એ જાહેરાત કરતા ખુશી અનુભવાઇ રહી છે કે બ્રેકનેલ સાંસદ ફિલિપ લી પાર્ટીમાં સામેલ થયા છે.
વચગાળાની ચૂંટણીની શક્યતાઓ વધી
આમ સંસદમાં બોરિસ જોનસને બહુમતિ ગુમાવતા વચગાળાની ચૂંટણીની શક્યતાઓ વધી ગઇ છે. મંગળવારે શરૂ થયેલ સંસદમાં જોનસને કહ્યું હતું કે બ્રેક્ઝિટમાં 31 ઓક્ટોબરથી વધુ મોડું નહીં થાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 જુલાઇના રોજ બોરિસ જોનસન વડાપ્રધાન બન્યા હતાં.