લંડનમાં ભારતીય દૂતાવાસની ઈમારત પર બ્રિટિશ પાકિસ્તાની સમર્થકોનો હુમલો

લંડન – જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમને ભારત સરકારે બંધારણમાંથી દૂર કરી તેના વિરોધમાં બ્રિટનમાં વસતા પાકિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય દૂતાવાસ પર ફરી હુમલો કર્યો છે. ગઈ કાલે એમણે દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા, નારા લગાવ્યા હતા અને પથ્થમારો કરીને દૂતાવાસની ઈમારતને નુકસાન પહોંચાડ્યું હતું.

હજી ગઈ 15 ઓગસ્ટે જ પાકિસ્તાની ઝંડા સાથે ધસી આવેલા પાકિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા અને ભારતીય સત્તાવાળાઓએ તે વિશે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે છતાં ગઈ કાલે પાકિસ્તાનીઓ ફરી દૂતાવાસની બહાર એકત્ર થયા હતા અને દેખાવો કર્યા હતા એટલું જ નહીં, પણ હુમલો પણ કર્યો હતો.

ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે અને સાથે તસવીર પણ શેર કરી છે જેમાં દૂતાવાસની એક બારીનો કાચ તૂટી ગયેલો જોઈ શકાય છે.

પાકિસ્તાની દેખાવકારોએ હાઈ કમિશનના મકાન પર ઈંડા અને જૂતાં ફેંક્યા હોવાનો, પથ્થર ફેંક્યા હોવાનો અહેવાલ છે.

ભારતીય હાઈ કમિશને કરેલા ટ્વીટને પ્રતિસાદ આપતાં લંડનનાં મેયર સાદિક મોહમ્મદે હિંસક દેખાવોને વખોડી કાઢ્યા છે અને કહ્યું છે કે આ અસ્વીકાર્ય છે. હું આ અસ્વીકાર્ય વર્તનને સંપૂર્ણપણે વખોડી કાઢું છું અને આ બાબતમાં પગલું ભરવા શહેરની પોલીસ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે.