લંડન – મુંબઈથી અમેરિકાના નેવાર્ક ખાતે એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટમાં બોમ્બ મૂકાયાની ધમકી મળ્યા બાદ વિમાનનું લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ ખાતે તાકીદનું લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જોકે ત્યારબાદની તપાસમાં વિમાનમાંથી બોમ્બ જેવી કોઈ ચીજ ન મળતાં એ ધમકી પોકળ અને અફવા સાબિત થઈ હતી.
એર ઈન્ડિયાની ફ્લાઈટે તેની સફર ફરી શરૂ કરી હતી અને સ્ટેન્સ્ટેડ એરપોર્ટનો રનવે, જે થોડોક સમય માટે બંધ કરી દેવાયો હતો, તે ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
સ્ટેન્સ્ટેડ એરપોર્ટના ટ્વિટર હેન્ડલ પર જણાવાયું હતું કે એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં બોમ્બ મૂકાયાની ધમકી અને તેને પગલે કરાયેલી તપાસની ઘટનાને લીધે વિમાન સેવા સ્થગિત કરવી પડી એ બદલ અમે ક્ષમા ચાહીએ છીએ અને તમે જાળવેલી ધીરજ બદલ તમારો આભાર માનીએ છીએ.
AI191 ફ્લાઈટ માટેના બોઈંગ 777 વિમાનને આકાશમાં બ્રિટિશ ફાઈટર જેટ વિમાનો રોયલ એર ફોર્સ (RAF) ટાઈફૂન્સના રક્ષણ હેઠળ સ્ટેન્સ્ટેડ એરપોર્ટ તરફ વાળવું પડ્યું હતું અને એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. RAF ટાઈફૂન્સ વિમાનો સુપરસોનિક સ્પીડે એર ઈન્ડિયાના વિમાનના રક્ષણ માટે પહોંચી ગયા હતા.
વિમાન જ્યારે બ્રિટનની હવાઈ સીમાની અંદર ઊડી રહ્યું હતું ત્યારે વિમાનમાં બોમ્બ મૂકાયાની ધમકી મળ્યાની પાઈલટે જાણ કરી હતી અને બ્રિટિશ સત્તાવાળાઓ તરત જ વિમાનની વહારે પહોંચી ગયા હતા.
તે ફ્લાઈટ મુંબઈથી ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે 4.50 વાગ્યે રવાના થઈ હતી અને તે અમેરિકાના સમય મુજબ સવારે 9 વાગ્યે નેવાર્ક પહોંચવાની હતી.
પણ પાઈલટે બોમ્બ મૂકાયાની ધમકીની જાણ કર્યા બાદ ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યે ફ્લાઈટે દિશા બદલી હતી અને ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.
લંડનનું સ્ટેન્સ્ટેડ બ્રિટનનું વિશેષ એરપોર્ટ છે. એ રોયલ એર ફોર્સ મથકની નજીકમાં જ આવેલું હોવાથી એવિએશન સુરક્ષા પરિસ્થિતિનો સામનો કરવા માટે સુવિધાઓથી સજ્જ રહેતું હોય છે.
સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર તાકીદે ઉતાર્યા બાદ વિમાનને રનવે પર દૂરના સ્થળે પાર્ક કરવામાં આવ્યું હતું અને સુરક્ષા નિષ્ણાતોએ તરત જ એમાં તપાસ હાથ ધરી હતી.