બાર્સેલોના (સ્પેન) 13 ઓગસ્ટ, 2019 – વિશ્વભરમાં પ્રખ્યાત સુરતની બાઈકિંગ ક્વીન્સ સ્પેનના બાર્સેલોના શહેર પહોંચીને મેડ્રિડમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે.
હાલમાં બાઇકિંગ ક્વીન્સ સ્પેનના બાર્સેલોના તરફ આગળ વધી રહી છે તથા જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિતના યુરોપિયન દેશો પસાર કર્યાં બાદ 14 ઓગસ્ટની સાંજે બાર્સેલોના પહોંચશે. 15 ઓગસ્ટ, 2019ના રોજ બાઇકિંગ ક્વીન્સ સવારે ધ્વજવંદન કરશે. સાંજે 7 વાગ્યે ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાઇકિંગ ક્વીન્સની સાથે કરશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત ભારતીય સમુદાય દ્વારા વિવિધ પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્પેનના મેડ્રિડ ખાતે ભારતીય દૂતાવાસમાં ઓફિસર ફોર કલ્ચર જિવા મારિયા જોય સ્વતંત્રતા દિવસની ઉજવણી સમારોહમાં જોડાશે. આ અંગે બાઇકિંગ ક્વીન્સના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, બાર્સેલોનામાં ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવી અમારા માટે ગર્વની બાબત છે. કટાલ્યુનાર અને ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આ ઉજવણી માટે આમંત્રિત કરાતા અમે સન્માન અનુભવીએ છીએ. ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિ પ્રત્યે દેશભક્તિનો માહોલ જોવો એક વિશિષ્ટ લાગણીનો અનુભવ કરાવશે. આ ઉજવણી અમારા હ્રદયમાં વિશેષ સ્થાન હાંસલ કરશે તથા દેશ માટે કંઇક વિશેષ કરવા માટે અમને પ્રોત્સાહન પૂરું પાડશે.
મહત્વપૂર્ણ છે કે બાઇકિંગ ક્વીન્સ ‘રાઇડ ફોર વુમન્સ પ્રાઇડ’ અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ ફેલાવવા માટે 3 ખંડના 25 દેશોના પ્રવાસે છે. અત્યાર સુધીમાં બાઇકિંગ ક્વીન્સે લગભગ 20,000 કિ.મી.ની મુસાફરી કરી છે, જેમાં તેમણે રશિયાના મોસ્કોમાં દસ્તાવેજોની ચોરી તથા નેધરલેન્ડ્સમાં તેમની કેટીએમ બાઈકની ચોરી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. જોકે, બાઇકિંગ ક્વીન્સે ફ્રાન્સમાંથી બાઇક ભાડે લઇને મકક્મ જુસ્સા સાથે પોતાનું મીશન આગળ ધપાવ્યું છે.
આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહેશે.