કશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો યૂટર્ન, હવે નહીં કરે મધ્યસ્થી

0
684

નવી દિલ્હી- કાશ્મીર મુદ્દે મધ્યસ્થીને લઈને હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ ટર્ન લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે અને મધ્યસ્થીનો ઈનકાર કરી દીધો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. હવે ટ્રમ્પના આ નિવેદનથી પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે.

અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ સોમવારે કહ્યું કે, અમેરિકાની કશ્મીર મુદ્દે દાયકાઓ જૂની નીતિ રહી છે કે, તે મધ્યસ્થી નહીં કરે, પરંતુ દ્વિપક્ષીય સ્તર પર મામલાને ઉકેલ માટે ભારત અને પાકિસ્તાનની દરખાસ્ત કરશે. શ્રૃંગલાએ એમ પણ કહ્યું કે, કશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો થોડા સમય માટે જ છે સ્થિતિ સામાન્ય થતાં આ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.

શ્રૃંગલા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીર પર મધ્યસ્થા પર તેમનો પ્રસ્તાવ એ વાત પર નિર્ભર કરે છે કે, ભારત અને પાકિસ્તાન એ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે કે, નહીં. ભારતે આ પ્રસ્તાવનો સ્વીકાર નથી કર્યો.

ભારતીય રાજદૂતે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે પણ આ મામલે સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો ભારત અને પાકિસ્તાનને શિમલા કરાર અને લાહોર ઘોષણા પત્ર અનુસાર દ્વિપક્ષીય આધાર પર ઉકેલવો જોઈએ.