ઢાકા- બાંગ્લાદેશની રાજધાની ઢાકાના જૂના વિસ્તારમાં સ્થિત કેમિકલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં ગઈકાલે રાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગને પગલે અત્યાર સુધીમાં 70 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થનારા લોકોમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આગ એટલી ભીષણ હતી કે, આસપાસના કેટલીક ઈમારતો અને કોમ્યુનિટી હોલ પણ આગની ઝપેટમાં આવી ગયા છે. ઘટના સમયે આ હોલમાં એક લગ્નની પાર્ટી ચાલી રહી હતી.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર જૂના ઢાકા વિસ્તારના ચોકબજાર સ્થિત એક પાંચ માળની બિલ્ડિંગના ભોયતળિયે બનાવેલા કેમિકલ ગોડાઉનમાં સૌ પ્રથમ આગ લાગી હતી, ત્યાર બાદ આસપાસની અન્ય ચાર બિલ્ડિંગ સુધી આગ ફેલાઈ ગઈ હતી. અન્ય ચાર બિલ્ડિંગોમાં પણ ગોડાઉન આવેલા હતાં, જેમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થો ભરવામાં આવ્યાં હતાં. ઢાકા ફાયર સર્વિસના વડા અલી અહમદે આશંકા દર્શાવી છે કે, ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગા લાગી છે.
આગ પર કાબુ મેળવવા 200 ફાયર કર્મીઓ લાગ્યા કામે
ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અંદાજે 200 જેટલા ફાયરના કર્મચારીઓ દ્વારા 5 કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડની 37 ગાડીઓ સાથે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. આ વિસ્તારમાં શેરીઓ સાંકળી હોવાને કારણે ઘટનાસ્થળ સુધી પાણી પહોંચાડવા માટે લાંબી પાઈપ લાઈનોની મદદ લેવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2010માં પણ ઢાકામાં ભીષણ આગ લાગી હતી જેમાં 120થી વધુ લોકોના મોત થયાં હતાં.