નવી દિલ્હી- પેશાવર વિશ્વવિદ્યાલયના પુરાતત્વવિદોનું કહેવું છે કે, તેમને ઈન્ડો-ગ્રીક સમયગાળાના ધાતુના કારખાનાના અવશેષો મળી આવ્યાં છે, જે બીજી સદી ઈસા પૂર્વ યૂનાની સભ્યતાના છે. પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્ર ડોનની એક રિપોર્ટ અનુસાર પ્રોફેસર ગુલ રહીમે ગુરુવારે જણાવ્યું કે, આ શોધ પેશાવરની નજીકના હયાતાબાદમાંથી કરવામાં આવી, અહીં છેલ્લા ત્રણ વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે.
ગુલ રહીમે એમ પણ કહ્યું કે, તેમને ઈન્ડો-ગ્રીક સમયના કેટલાક સિક્કા મળ્યાં છે, અને સિક્કા 2200 વર્ષ જૂના હોવાનું અનુમાન છે. તેઓએ વધુમાં કહ્યું કે, ઈન્ડો-ગ્રીક અફઘાનિસ્તાનથી આવીને વર્તમાન સમયના પેશાવરમાં વસ્યા હતાં અને તેમણે આ વિસ્તાર પર અંદાજે 150 વર્ષ સુધી શાસન કર્યું હતું.
શોધખોળ દરમિયાન મળેલા અવશેષો પરથી એવું જાણવા મળે છે કે, અહીં ધાતુના કારખાના જેવું કંઈક હશે, કારણ કે, અહીંથી લોખંડને ઓગાળવાના ઓજારો,છરી, ડ્રિલ્સ અને અન્ય વસ્તુઓ માલી છે, જેનો મુખ્યરૂપે ઉપયોગ કારખાનામાં થતો હોય છે. અવશેષોને જોઈને એવું લાગે છે કે, કારખાનાઓમાં તીર, ધનુષ,ખંજર અને તલવાર બનાવવામાં આવતા હતાં.
ગુલ રહીમે કહ્યું કે, આ પ્રાંતમાં કોઈ સંગઠિત ઈન્ડો-ગ્રીક કારખાનાની અત્યાર સુધીની આ પ્રથમ શોધ છે. પેશાવર વિદ્યાલયમાં એમફિલના વિદ્યાર્થી જાન ગુલે કહ્યું કે, આ પ્રથમ તક છે, કે જેમાં વિદ્યાર્થીઓને ઈન્ડો-ગ્રીકના અવશેષો જોવા મળ્યાં છે. આ પહેલા માત્ર બૌદ્ધ અને મુગલકાળના અવશેષો અંગે જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.