લોસ એન્જેલીસઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછાં બોલાવી લેવાના જૉ બાઈડન સરકારના નિર્ણયથી હોલીવુડ અભિનેત્રી અને નિર્માત્રી એન્જેલીના જોલી ગુસ્સે ભરાઈ છે. ઉલ્લેખનીય છે કે, બાઈડન સરકારના નિર્ણયને કારણે અફઘાનિસ્તાનમાં સરકારનું પતન થઈ ગયું છે, પ્રમુખ અશરફ ઘનીને દેશમાંથી ભાગી જવું પડ્યું છે અને તાલિબાન બળવાખોર સંગઠને સત્તા કબજે કરી છે.
એન્જેલીનાએ ટાઈમ મેગેઝિનમાં એક લેખમાં લખ્યું છે કે, ‘અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિશે તમારા મંતવ્યો ભલે ગમે તે હોય, બધાં એક વાતે તો સહમત થશે કે, એનો અંત આ રીતે આવવો જોઈતો નહોતો. અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર કરાવવાનો આઈડિયા પડતો મૂકી દેવો, આપણા સહયોગીઓ અને સમર્થકોને ત્યજી દેવા – આ બધું આટલા બધા વર્ષો સુધી પ્રયાસો કર્યા બાદ અને બલિદાન આપ્યા બાદ આ રીતે રવાનગી વિશ્વાસઘાત સમાન છે. આ નિષ્ફળતા જરાય સમજાય એવી નથી.’ 46-વર્ષીય અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, ‘આપણે અફઘાનિસ્તાનમાંથી જે રીતે નીકળી ગયા એનાથી એક અમેરિકન તરીકે હું શરમની લાગણી અનુભવી રહી છું. આપણને નીચાજોણું થયું છે. હવે શરણાર્થીઓની નવી કટોકટી સર્જાઈ છે. તાલિબાનો છોકરીઓને શાળાએ જતી રોકવા માટે, મહિલાઓને એમનાં ઘરોમાં ગોંધી રાખવા માટે તેમજ એમના વિરોધીઓને નિર્દયી શારીરિક સજા કરવા માટે જાણીતા છે.’