નવી દિલ્હી- અંતરિક્ષમાં ભારતની વધતી જતી હાજરીથી પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનની પરેશાનીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ ભારતે અંતરિક્ષમાં એક લાઈવ ઉપગ્રહ તોડી પાડયો હતો. આ મામલે અમેરિકા હિન્દુસ્તાન સાથે ઊભુ રહ્યુ છે, અમેરિકાના પેન્ટાગન (સંરક્ષણ મંત્રાલય)એ ભારતના A-SAT મિસાઈલ ટેસ્ટને યોગ્ય ગણાવ્યું છે.
ભારતે 27 માર્ચના રોજ અંતરિક્ષના લોઅર ઓર્બિટમાં મિસાઈલની મદદથી એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરીને આ અંગેની જાણકારી આપી હતી, એ સમયે પાકિસ્તાન અને ચીન તરફથી યોગ્ય રિસ્પોન્સ નહતો મળ્યો.
હવે પેન્ટાગને કહ્યું કે, ભારતને અંતરિક્ષમાં વધતા જતા તણાવની ચિંતા છે, જેથી ભારતે તેની સુરક્ષામાં આ પ્રકારના A-SAT મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, જે બિલકુલ વાજબી છે.
અમેરિકા સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડર જનરલ જોન ઈ. હેટને કહ્યું કે, આપણે સૌથી પહેલા એ સમજવુ પડશે કે, હિન્દુસ્તાને આવુ શા માટે કરવુ પડ્યુ, એ અંગે કમિટી તપાસ કરી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે, ભારતને અંતરિક્ષમાં બીજી શક્તિઓથી ખતરો છે, માટે તે રક્ષાત્મક રીતો અપનાવી રહ્યું છે.
જણાવી દઈએ કે, ભારતના સફળ પરીક્ષણ બાદ અમેરિકન એજન્સી NASA એ આ પરીક્ષણને ખતરનાખ ગણાવ્યું હતું અને કહ્યું કે, આ પરીક્ષણથી અંતરિક્ષમાં કચરાના 400 ટુકડા પૈદા થયા હતાં. જે તમામ માટે ખતરરૂપ છે. જો કે ભારતે આ તર્કને નકારતા કહ્યું કે, આ તમામ કચરો થોડા સમયમાં ખત્મ થઈ જશે.
ભારતના આ મિશન પર માત્ર ચીન અને પાકિસ્તાને ખુલીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત અમેરિકા, યુરોપીય દેશોએ ભારતને અભિનંદન પાઠવ્યા હતાં. મહત્વનું છે કે, થોડા વર્ષો અગાઉ જ્યારે ચીને આ પ્રકારનું એક પરીક્ષણ કર્યું હતું, તો વિશ્વના ઘણા દેશોએ ચીન પર દબાણ બનાવ્યું હતું.