વોશિંગ્ટનઃ અમેરિકાએ ફરી એક વખત ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને લઈને પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમેરિકાના એક ટોચના રાજદ્વારી એલિસ વેલ્સ એ કહ્યું કે, ચીનનો CPECમાં રોકાણ કરવાનો હેતું મદદ કરવાનો નથી, પણ પોતાને ફાયદો કરવાનું છે. જો ચીન લાંબા સમય સુધી સીપીઈસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતું રહેશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ જશે. આ કરારથી પાકિસ્તાનને કંઈ પણ નથી મળવાનું. એલિસ વેલ્સે કહ્યું કે, ‘ચીન અને પાકિસ્તાન બંન્ને કોરિડોરને એક ગેમ ચેન્જરની જેમ દેખાઈ રહ્યું છે, પણ આવું નથી. એ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બેઈજિંગ જ આનાથી માત્ર ફાયદો જ ઉઠાવવા માંગે છે. અમેરિકા આનાથી વધારે સારુ મોડલ રજુ કરી શકે છે.’
વુડરો વિલ્સન ઈન્ટરનેશનલ સેન્ટર ફોસ સ્કોલર્સના એક પ્રોગ્રામમાં વેલ્સે કહ્યું કે,‘ચીન તેના આ અબજો ડોલરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સબસિડી વગરની લોન આપી રહ્યું છે. ચીની કંપનીઓ તેમના મજૂરો અને સામાન પણ મોકલી રહી છે. આનાથી પાકિસ્તાનમાં બેરોજગારી વધવાનું જોખમ વધી રહ્યું છે. જો પાકિસ્તાન ચીનનું દેવું ચુકવવામાં મોડું કરશે, તો તેના આર્થિક વિકાસ પર તેની માઠી અસર પડશે. સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાનનો દેશમાં રિફોર્મ્સનો એજન્ડા પણ પ્રભાવિત થશે.
વેલ્સે એવું પણ કહ્યું કે, ચીનનું આ મોડલ અલગ છે. અમે દુનિયાભરમાં જોયું છે કે અમેરિકન કંપનીઓના મોડલ સફળ રહ્યા છે, કારણ કે અમે પૈસાને મહત્વ નથી આપતા. અમે મૂલ્યો, પ્રક્રિયા અને વિશેષજ્ઞતા પર કામ કરીએ છીએ. સાથે જ સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત કરીએ છીએ. અમેરિકાની નવી કંપની મસલન ઉબર, એક્સોન મોલિબ, પેપ્સિકોએ પાકિસ્તાનમાં અંદાજે 1.3 બિલીયન ડોલરનું રોકાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. જેમાં પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 બિલીયન ડોલર(અંદાજે 3 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડો બનાવાઈ રહ્યો છે. જેના દ્વારા ચીનની પહોંચ અરબ સાગર સુધી થઈ જશે. સીપીઈસી હેઠળ ચીન રસ્તા, પોર્ટ, રેલવે અને ઉર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.
આ વર્ષે ઓક્ટોબરમાં કોરિડોરના બે ભાગનું કામ ઠેકેદારને વળતર ન મળવાના કારણે બંધ કરવું પડ્યું હતું. પાકિસ્તાન સરકાર પ્બલિક એકાઉન્ટ કમિટિએ આ અંગેની જાણકારી આપી હતી. ઈમરાન ઓક્ટોબરમાં જ ચીનના પ્રવાસે ગયા હતા. તેમણે ચીન સરકારને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરિડોરનો આખો મામલો હવે તે જ જોશે.