એમેઝોનના બેઝોસ પોતાની કંપનીના રોકેટમાં-બેસી અવકાશ-સફરે જશે

વોશિંગ્ટનઃ અમેરિકાની મલ્ટીનેશનલ ટેક્નોલોજી, ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ એમની પોતાની જ કંપની બ્લૂ ઓરિજીને બનાવેલા સ્પેસ રોકેટ ‘ન્યૂ શેફર્ડ’માં બેસીને આવતા મહિને અવકાશની સફરે જવાના છે. આ સફરે જનાર એ દુનિયાના સ્પેસ ક્ષેત્રના બિઝનેસના પ્રથમ અબજોપતિ બનશે. બેઝોસે પોતે જાહેરાત કરી છે કે એ આવતી 20 જુલાઈએ ટેક્સાસમાંથી તેમની બ્લૂ ઓરિજીન કંપનીના રોકેટ (કેપ્સ્યુલ)માં અગ્નિશમન વિભાગમાં કામ કરતા એમના ભાઈ માર્કની સાથે બેસીને અવકાશની સફરે જશે. ‘ન્યૂ શેફર્ડ’ રોકેટનું એ પ્રથમ અવકાશયાત્રી-ક્રૂ અવકાશ લોન્ચ હશે.

57 વર્ષીય બેઝોસ પાંચ જુલાઈએ એમેઝોનના સીઈઓ પદેથી રાજીનામું આપવાના છે. ત્યારબાદ પોતે એમની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીનના સ્પેસ ટૂરિઝમ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. એમેઝોનમાં એમનો હિસ્સો 164 અબજ ડોલરનો છે. તે રોકેટમાં છ સીટ હશે. દરેકને પોતાની મોટી બારી હશે. એક સીટ કંપનીએ યોજેલી વૈશ્વિક સ્તરની ઓનલાઈન હરાજીમાં વિજેતા બનનારને ફાળવવામાં આવશે. એ હરાજીની મુદત 12 જૂને સમાપ્ત થશે. અત્યાર સુધીમાં એમાં 143 દેશોમાંથી 6,000થી વધારે લોકો ભાગ લઈ ચૂક્યા છે. બાકીની ત્રણ સીટ પર કોણ બેસશે એની હજી કંપનીએ જાહેરાત કરી નથી. રોકેટનું લોન્ચ અને લેન્ડિંગ સ્થળ પશ્ચિમ ટેક્સાસના કોઈક દૂરના સ્થળે અને મેક્સિકો સાથેની સરહદ નજીક છે.

બ્રિટનના ઉદ્યોગપતિ અને વર્જિન ગેલાક્ટિકના સ્થાપક રિચર્ડ બ્રાન્સન પણ આ વર્ષના અંત ભાગમાં પોતાનું રોકેટ અવકાશમાં લોન્ચ કરવા ધારે છે. સ્પેસએક્સના એલન મસ્ક તરફથી પણ સ્પેસફ્લાઈટની જાહેરાત કરાય એવી ધારણા છે.