આલ્ફાબેટના નવા સીઈઓ સુંદર પિચાઈનો પગાર કેટલો હશે?

નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરનારી કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને તાજેતરમાં જ આલ્ફાબેટની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, આલ્ફાબેટ ગૂગલની પેરન્ટ કંપની છે. પિચાઈના પ્રમોશન સાથે જ તેમની બેઝિક સેલેરીમાં 200 ટકાનો વધારો થશે નવું સેલેરી પેકેજ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થશે.

અલ્ફાબેટના CEO બનવા પર સુંદર પિચાઈને 24.2 કરોડ ડોલર(1718 કરોડ રૂપિયા)નું પેકેજ મળ્યું છે. તેમાં વાર્ષિક 20 લાખ ડોલર(14.2 કરોડ રૂપિયા) બેઝિક સેલેરી અને 24 કરોડ ડોલર(1704 કરોડ રૂપિયા)ના શેર સામેલ છે. જોકે 24 કરોડ ડોલરમાંથી 12 કરોડ ડોલરનો સ્ટોક એવોર્ડ ત્રિમાસિક હપ્તામાં મળશે. બાકી વાર્ષિક પ્રદર્શનના આધેર હશે, મતલબ કે પિચાઈ દરેક ટાર્ગેટ પૂરા કરશે તો ત્રણ વર્ષમાં શેર મળશે. પિચાઈને ગુગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના CEO બનાવવાની જાહેરાત 4 ડિસેમ્બરે કરવામાં આવી હતી.

2018માં પિચાઈને કુલ 19 લાખ ડોલર(135 કરોડ રૂપિયા)ના પગાર-ભથ્થા મળ્યા હતા. તેમાં 6.5 લાખ ડોલર(4.6 કરોડ રૂપિયા) બેઝિક સેલેરી હતી. પિચાઈએ ગત વર્ષે સ્ટોક એવોર્ડ લેવાથી મનાઇ કરી હતી અને કહ્યું હતું કે તેમનો પગાર પૂરતો છે. 1704 કરોડ રૂપિયાનો સ્ટોક એવોર્ડ ગુગલ અને અલ્ફાબેટના કોઇ અધિકારીને મળવામાં અત્યાર સુધીનો સૌથી વધારે છે.

એપલના CEO ટિમ કુકને ગત વર્ષે કુલ 14.1 કરોડ ડોલર(957 કરોડ રૂપિયા)ના પગાર-ભથ્થા મળ્યા હતા. માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના પગારમાં ગત વર્ષે 66 ટકાનો વધારો થયો હતો. તેમને ગત નાણાકીય વર્ષ(2018-19)માં 4.29 કરોડ ડોલર(306.43 કરોડ રૂપિયા)નું કમ્પેન્સેશન મળ્યું હતું. તેમાં મોટાભાગનું સ્ટોક એવોર્ડ(શેર)ના સ્વરૂપે હતું. બેઝિક સેલેરી 23 લાખ ડોલર હતી. નડેલાનું પેકેજ 2017-18માં 2.58 કરોડ ડોલર (184.28 કરોડ રૂપિયા) હતું. અલ્ફાબેટના પૂર્વ CEO લેરી પેજ અને ટ્વિટરના CEO જેક ડૌર્સે ગત વર્ષે માત્ર 1-1 ડોલરનો પ્રતિકાત્મક પગાર લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આલ્ફાબેટના સીઈઓ તરીકે સુંદર પિચાઈને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના અનેક કર્મચારીઓ પોલિસી અને પ્રોજેક્ટને લઈને ખુશ નથી. થોડા સમય પહેલા જ  ગૂગલે તેના 5 કર્મચારીઓને કાઢી નાખ્યા હતા. આ કર્મચારીઓ પર કંપનીના અન્ય કર્મચારીઓને આંદોલન માટે ભડકાવવાનો આરોપ હતો. સાથે આ કર્મીઓએ અનેક પ્રકારની પોલિસીનો ભંગ કર્યો હતો.