જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના માનવતાવાદી કાર્યાલય તરફથી આજે જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયલના તાબા હેઠળના ગાઝા સ્ટ્રીપમાં 27 લાખ લોકો અને વેસ્ટ બેન્કમાંના પાંચ લાખ લોકોની જરૂરિયાતોની સંભાળ લેવા માટે આ વર્ષના અંત સુધીમાં અંદાજે 1 અબજ 20 લાખ ડોલરની રકમની સહાયતાની જરૂર પડશે. યૂએન ઓફિસ ફોર કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ કાર્યાલયે ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની શરૂઆત વખતે એવી અપીલ કરી હતી કે આશરે 13 લાખ લોકોની સંભાળ લેવા માટે 29 કરોડ 40 લાખ ડોલરના ભંડોળની આવશ્યક્તા છે.
સંસ્થાના પ્રવક્તા જેન્સ લાર્કેએ કહ્યું છે કે, પહેલા કરતાં પરિસ્થિતિ હવે વધારે બગડી ગઈ છે. ઈઝરાયલી સેનાએ ગીચ વસ્તીવાળા ભાગોમાં બોમ્બમારો કરતાં ગાઝાનાં રહેવાસીઓ માટે સહાય પૂરવઠો મોકલવાનું રોકી દેવું પડ્યું છે. હજારો લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના બોમ્બમારાને કારણે સહાયતાકર્મીઓ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો રહેવાસીઓ સુધી પહોંચાડવા અસમર્થ છે.