પાકિસ્તાનમાં વંશીય તણાવ અને હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. દેશની સેનાથી લઈને રાજકીય સત્તા સુધી પંજાબીઓના વર્ચસ્વને લઈને બલુચ અને અન્ય પ્રાંતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ વારંવાર હિંસક ઘટનાઓ રૂપે જોવા મળે છે. બલુચિસ્તાનમાં પંજાબી મૂળના લોકોને નિશાન બનાવી તેમને વીણી-વીણીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ અનેકવાર બની છે. તાજેતરમાં પણ એવી જ એક હૃદયદ્રાવક ઘટના બની છે.
મંગળવારે મોડી રાત્રે બલુચિસ્તાન અને પંજાબને જોડતા સરહદી બરખાન જિલ્લામાં આ કરૂણ ઘટના ઘટી હતી. બલુચ બળવાખોરોએ પંજાબી મુસાફરોને નિશાન બનાવી તેમને જીવથી મારી નાખ્યા હતા. બલુચિસ્તાન પોલીસે આપેલી માહિતી અનુસાર, લગભગ 40 બંદૂકધારી બળવાખોરોએ હાઈવે પર પસાર થતી અનેક બસો અટકાવી હતી. મુસાફરોને બસમાંથી નીચે ઉતારી તેમની ઓળખની તપાસ શરૂ કરવામાં આવી. આ દરમિયાન, પંજાબી મૂળના 7 લોકો હોવાની જાણ થતા, બળવાખોરોએ લાઇનમાં ઊભા રાખી તેમની પર ગોળી વરસાવી હતી.
બરખાનના ડેપ્યુટી કમિશનર વકાર ખુર્શીદ આલમે જણાવ્યું કે, હત્યા કરાયેલા તમામ લોકો પંજાબના રહેવાસી હતા. તેઓ લાહોર જવા માટે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ પ્રાથમિક તપાસમાં પંજાબી ઓળખ થઈ ગયા બાદ, નિર્દોષ મુસાફરોને ગોળી મારી દીધી. આ ઘટનાથી સમગ્ર પંજાબ અને બલુચિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવી ઘટનાઓ પાકિસ્તાનમાં વંશીય વિભાજન અને અલગતાવાદી ત્રાસવાદનું ચિંતાજનક ચિત્ર ચોરે પાડે છે. બલુચ બળવાખોરોએ પંજાબી પ્રજાજનોને નિશાન બનાવીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. બલુચિસ્તાનમાં પંજાબી નાગરિકો માટે અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.
