જકાર્તા – ઈન્ડોનેશિયાનો નોર્થ મલુકુ પ્રાંત આજે 7.2ની તીવ્રતાના ધરતીકંપથી હચમચી ગયો હતો, પરંતુ એનાથી સમુદ્રમાં સુનામી મોજાં ઉછળ્યા નહોતા.
આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ રવિવારે સાંજે 6.10 વાગ્યે આવ્યો હતો. એનું કેન્દ્રબિંદુ ઉક્ત પ્રાંતમાં લબુહા શહેરથી 62 કિ.મી. ઈશાન તરફ અને જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલુમ પડ્યું હતું.
સદ્દભાગ્યે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ પણ થઈ નથી કે મિલકતને કોઈ પ્રકારનું નુકસાન પણ થયું નથી, પરંતુ ગભરાટના માર્યા લોકો મકાનોમાંથી બહાર રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.
ઈન્ડોનેશિયામાં ધરતીકંપનું જોખમ કાયમ રહેતું હોય છે. આ ભૂકંપ માટે સૌથી જોખમી એવા વિસ્તારમાં આવેલો છે જેને ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના વાયવ્ય ખૂણાના વિસ્તારો હચમચી ગયા
ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પશ્ચિમ ખૂણે આજે ભૂકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.6 હોવાનું યૂએસ જિયોલોજિકલ સર્વે એજન્સીએ કહ્યું હતું.
આ ભૂકંપ રવિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1.39 વાગ્યે આવ્યો હતો. તે જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે આવ્યો હતો. એનું કેન્દ્રબિંદુ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના સમુદ્રકાંઠાના શહેર બ્રૂમની પશ્ચિમે 202 કિ.મી. દૂરના સ્થળે હોવાનું માલુમ પડ્યું હતું.
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર જોકે ઓસ્ટ્રેલિયાના સમુદ્રમાં સુનામી મોજાં ઉછળવાની કોઈ ચેતવણી રિલીઝ કરી નહોતી.
આ ભૂકંપથી કોઈ જાનહાનિ થયાના કે મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી.