પોલેન્ડ- પોલેન્ડ સ્થિત એક શક્તિશાળી કેથલિક ચર્ચે સ્વીકાર કર્યો કે, છેલ્લા ત્રણ દાયકામાં તેમના આશરે 400 પાદરીઓએ નાના બાળકોનું જાતીય શોષણ કર્યું છે. મહત્વનું છે કે, એક મહિના પહેલા એક સંસ્થાએ ચર્ચ દ્વારા કરેલા યૌન શોષણ પર એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. પોલિશ બિશપે કહ્યું કે, તેમના રિપોર્ટમાં 382 પાદરીઓએ 624 લોકોને તેમનો શિકાર બનાવ્યા હતાં. જેમાં 198 બાળકોની ઉંમર 15 વર્ષથી ઓછી અને 184 બાળકોની ઉમર 15થી 18 વર્ષની વચ્ચે હતી. જોકે, આ આંકડાને તથ્યોના આધારે રજૂ કરવામાં આવ્યા છે. પરતું આ ચોંકાવનારા ઘટસ્ફોટમાં કોઈ પણ ગુનેગારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.
એક પ્રેસ કોન્ફરન્સમાં પોલેન્ડના બાળ અધિકાર મામલાઓના અધિકારી એડમ જેકે કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, અહીં થી તો માત્ર એક શરુઆત થઈ છે. તો આર્કબિશપ મારેક જડ્રાજેવેસ્કીએ પત્રકારોને જણાવ્યું કે, ચર્ચ દરેક કિંમતે દોષિતો સામે કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. પરંતુ જો કોઈ ગુનેગાર પોતાની ભૂલને સ્વીકારીને તેમની અંદર બદલાવ લાવવાની ઈચ્છા વ્યક્ત કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહીમાં નરમ વલણ દાખવવું જોઈએ.
આર્કબિશપેનું કહેવું હતું કે, પીડોફિલિયા (બાળકો પ્રતિ યૌન આકર્ષણ ધરાવતો વ્યક્તિ) માત્ર કેથલિક ચર્ચ સુધી જ સીમિત નથી, આ પરિવારની અંદરમાં પણ મોટા પ્રમાણમાં છે.
પોલેન્ડના જૂદા જૂદા કેથલિક ચર્ચના પાદરીઓ દ્વારા કરવામાં આવેલા યોન શોષણ પીડિત બાળકોની દેખરેખ કરતી સંસ્થાએ ફેબ્રુઆરી મહિનામાં આ આંકડા અને તથ્યો એકત્ર કર્યા હતાં. ‘Be Not Afraid’ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ વેટિકન સ્થિત કેથલિક ચર્ચના સર્વોચ્ચ હેડ પોપ ફ્રાન્સિસને 27 પેજનો એક રિપોર્ટ સોંપ્યો છે, અને માગ કરી છે કે, પાદરીઓ દ્વારા બાળકોના જાતીય શોષણ મામલે યોગ્ય પગલુ ભરવામાં આવે.