‘હું જીવતો છું અને સ્વસ્થ છું’: મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદના મુખપત્રમાં લખ્યું

કરાચી – પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે સંગઠનના મુખપત્રના એક લેખમાં લખ્યું છે કે પોતે હજી જીવતો છે અને એની તબિયત પણ સારી છે.

મસૂદે આ લેખ સંગઠનના મુખપત્ર ‘અલ-કલમ’માં એના ઉપનામ ‘સા’દી’ સાથે લખ્યો છે.

આ મહિનાના આરંભમાં એવી અફવા ઉડી હતી કે મસૂદ અઝહર લીવરના કેન્સરથી પીડાય છે અને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મસૂદની કિડનીઓ પણ બગડી ગઈ છે એવી પણ અફવા હતી. મસૂદના મૃત્યુ વિશેની અફવાઓમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ પણ ઝૂકાવ્યું હતું. એ અફવા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી, પણ કોઈ રીતે એનું વિશ્વસનીય સમર્થન મળ્યું નહોતું.

પોતાના વિશેની અફવાઓનો અંત લાવી દેવા માટે મસૂદ અઝહરે  અલક-કલમમાં લેખ લખ્યો છે, પરંતુ આ સમાચાર પ્રસિદ્ધ કરનાર ઈન્ડિયા ટુડે પણ આ લેખ મસૂદ અઝહરે જ લખ્યો છે કે એના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એ વિશે કોઈ દાવો કર્યો નથી.

મસૂદે ગયા ફેબ્રુઆરીમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના ભયાનક ટેરર હુમલા વિશે ખુશી વ્યક્ત કરી હતી. 14 ફેબ્રુઆરીના તે આત્મઘાતી હુમલામાં ભારતના 40 સીઆરપીએફ જવાનો માર્યા ગયા હતા. મસૂદે એ હુમલાને બહુ સરસ કામ કહીને વખાણ્યો હતો. હુમલાના આત્મઘાતી હુમલાખોર આદિલ એહમદ દારનું નામ લઈને મસૂદે કહ્યું હતું કે દારે જે આગ લગાડી છે એને જલદી બુઝવા દેવામાં નહીં આવે.

આદિલ એહમદ દહે 300 કિલો જેટલા વિસ્ફોટકોથી ભરેલી એક એસયૂવી કાર સીઆરપીએફના જવાનો સાથેની એક બસ સાથે અથડાવી મારી હતી, જેને કારણે સીઆરપીએફના 40 જવાન માર્યા ગયા હતા.

પુલવામા હુમલાનો બદલો લેવા ભારતીય હવાઈ દળે ત્યારબાદ નિયંત્રણ રેખા પર હવાઈ હુમલા કર્યા હતા અને એમાં જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા.